
ભરુચના જંબુસરનાના શંકરનગરી વિસ્તારમાં સતત પડેલા વરસાદ બાદ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈ 25 વર્ષથી અહીં રહેતા નાગરિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
આખો વિસ્તાર પાણીમાં ગરક
સ્થાનિક રહીશો અનુસાર, રેલવેની કામગીરીના કારણે વર્ષો જૂના વરસાદી કાશો પુરાઈ જતાં પાણી નિકળતું નથી અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે વિસ્તારમાં પાણી દુર્ગંધ મારવા લાગ્યાં છે અને રોગચાળો ફાટી નીકળવાની દેહસત ઊભી થઈ છે.પરિસ્થિતિની જાણ થતાં જ જંબુસરના પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગોલી નગરપાલિકા સ્ટાફ તથા રેલવે વિભાગના પ્રતિનિધિઓ સાથે સ્થળ પર પહોંચી અને તાકીદે કામગીરીના નિરીક્ષણ કર્યા.
લોકોની રજૂઆત
સ્થાનિક ધારાસભ્યને રજૂઆત થતાં તેમણે તાત્કાલિક જવાબદાર અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા.પ્રાંત અધિકારી ડૉ. ગાંગોલીએ તાકીદે લઈ બે દિવસની અંદર સમસ્યાનો નિકાલ કરવા સંબંધિત વિભાગોને સુચના આપી છે. શંકરનગરી સોસાયટીના રહીશો દ્વારા પણ વહેલી તકે પાણીની નિકાસ સમસ્યાનું સ્થાયી અને અસરકારક સમાધાન કરાય તેવી જોરદાર માંગણી કરવામાં આવી છે.