
વિશ્વમાં ગત વર્ષે જૂલાઈ 2024ના કોરોના કેસોમાં વધારો થયો અને આ મોજુ જાન્યુઆરી- 2025 સુધી ચાલ્યા બાદ ફેબુ્રઆરીથી અનેક દેશોમાં અને ગુજરાત સહિત દેશમાં મે માસથી કોરોનાની નવી લહર શરૂ થઈ છે જે ભારતમાં ઓમિક્રોન વેરિયેન્ટથી છે. સૌરાષ્ટ્રમાં પણ વિષાણુ વધુને વધુ લોકોને સંક્રમિત કરવા લાગ્યો છે અને હોટસ્પોટ બનેલા રાજકોટમાં આજે વધુ 9 અને જામનગરમાં 10 સહિત આ બે શહેરોમાં જ 19 કેસો નોંધાયા છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 95 કેસ નોંધાયા
રાજકોટમાં આજે જલારામપ્લોટ-1માં 56 વર્ષના એક અને ગાર્ડન સિટીમાં 20 અને 46 વર્ષની બે મહિલાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે સત્યસાંઈ રોડ પર 60 વર્ષ, બજરંગવાડીમાં 45 વર્ષના પુરૂષો તેમજ શીતલપાર્ક, મવડી, હાઉસીંગ સોસાયટી વોર્ડ નં. 18 અને જામનગર રોડ પર 15થી 35 વર્ષના 4 યુવાનો સહિત 9 કેસો નોંધાયા છે. અને કૂલ કેસની સંખ્યા 95 પર પહોંચી છે.
જેમાંથી 44 દર્દી સાજા થયા હાલ 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. રાજકોટની વિવિધ 70 જેટલી સોસાયટીઓ સુધી કોરોના પહોંચ્યો છે. રેસ્કોર્સ, રામકૃષ્ણ નગર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં કોરોના ફેલાયો છે. વોર્ડ નં 8માં સૌથી વધુ 21 કેસ નોંધાયા છે. રાજકોટમાં એડમીટ કરાયેલા તબીબને આજે ડિસ્ચાર્જ કરાયા હતા. કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
જામનગરમાં મેડિકલ કોલેજના 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
જામનગરમાં માત્ર ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં જ ૧૨ વિદ્યાર્થીઓ અને પી.જી.મેડીકલ હોસ્ટેલના ૩ સહિત ૧૫ તબીબી વિદ્યાર્થીઓ આજ સુધીમાં કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત આજે આઠ કેસોમાં પાર્ક કોલોની વિસ્તારના ૫૫ વર્ષના, જટેશ્વર પાર્કમાં ૬૩ વર્ષ, ગોકુલધામમાં ૬૦ વર્ષના પુરૂષો, પટેલ કોલોનીમાં ૧૯ વર્ષનો યુવાન,પવનચક્કી વિસ્તારમાં ૧૫ વર્ષીય તરૂણી, પી.જી.હોસ્ટેલમાં ૩૪ વર્ષીય મહિલા અને ખરવા ચકલા વિસ્તારમાં ૫૫ વર્ષના મહિલા સમાવિષ્ટ છે.
કોરોનાથી બચવા લોકોને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, ઈમ્યુનિટી વધારતો આહાર-વિહાર રાખવા, શરદી-ઉધરસના લક્ષણો હોય તો સંપર્ક ટાળવા, હાથને વારંવાર ધોવા, કોરોના થયો હોય તેમને લક્ષણો તપાસતા રહેવા અને ખાસ કરીને મોટી ઉંમરના, બિમારી ધરાવનારા, સગર્ભા મહિલા અને નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરાઈ છે.