
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપ્યો છે. કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે બુમરાહના વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટને એમ પણ કહ્યું કે લોર્ડ્સ ટેસ્ટમાં બુમરાહની વધુ જરૂર પડશે. જોકે, ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને બિલકુલ પસંદ નથી આવ્યો. સંગાકારા કહે છે કે સિરીઝનું પરિણામ આ ટેસ્ટ પર નિર્ભર છે, તેથી ટીમનો આ નિર્ણય તેની સમજની બહાર છે.
બુમરાહને આરામ આપવા પર સંગાકારા ગુસ્સે છે
કુમાર સંગાકારાએ કરતા કહ્યું, "બુમરાહને ન રમાડવાનો નિર્ણય કેમ અને કોના દ્વારા લેવામાં આવ્યો તે સમજવું ખૂબ જ રસપ્રદ છે. શું ખેલાડીઓ અને ફિઝિયોને પૂછ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો? શું લોર્ડ્સ ટેસ્ટ સિરીઝ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે? સિરીઝ દાવ પર છે. જો તમે આજના સ્કોર પર નજર નાખો તો, આજનો દિવસ ઈંગ્લેન્ડના નામે રહ્યો છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં, મારા મતે, કોચે બુમરાહ પાસે જઈને તેની સાથે વાત કરવી જોઈતી હતી. કોચે બુમરાહને કહેવું જોઈતું હતું કે હા, અમે તમને ત્રીજી અને પાંચમી ટેસ્ટમાં રમવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અમે તમને પ્રથમ અને બીજી ટેસ્ટમાં રમાડવા માંગીએ છીએ. તમે જુઓ કે તમે ત્રીજી ટેસ્ટ મેચ રમી શકો છો કે નહીં, કારણ કે આ પછી તમને બે અઠવાડિયાનો આરામ મળશે."
શાસ્ત્રી પણ આ નિર્ણયથી નાખુશ હતા
સંગકારા ઉપરાંત, રવિ શાસ્ત્રી પણ બુમરાહને આરામ આપવામાં આવતા ખૂબ ગુસ્સે દેખાતા હતા. તેમણે કહ્યું, "આ નિર્ણયથી હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત છું. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ છે. બુમરાહને હમણાં જ એક અઠવાડિયાનો વિરામ મળ્યો હતો. મને આશ્ચર્ય થાય છે કે બુમરાહ આ મેચ નથી રમી રહ્યો. મારા મતે, આ બાબત ખેલાડીના હાથમાંથી છીનવી લેવી જોઈએ. કેપ્ટન અને કોચિંગ સ્ટાફે પ્લેઈંગ ઈલેવન અંગે નિર્ણય લેવો જોઈએ. તેમણે નક્કી કરવું જોઈએ કે અંતિમ અગિયારમાં કોણ રમશે અને કોણ નહીં. સિરીઝની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ મેચ હતી. તેણે આ મેચ કોઈપણ કિંમતે રમવી જોઈતી હતી. લોર્ડ્સ ટેસ્ટ મેચ પછી છે. આ એક મહત્ત્વપૂર્ણ મેચ છે, જ્યાં તમારે કાઉન્ટર પંચ મારવો પડશે."