
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં, યજમાન ઈંગ્લેન્ડ હાલમાં 1-0થી આગળ છે. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ, ભાટીમ ઈન્ડિયા હવે બીજી મેચમાં મજબૂત વાપસી પર નજર રાખી રહી છે. દરમિયાન, ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ પહેલા તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક રીતે, ઈંગ્લેન્ડની ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત થતાં જ, ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
બુમરાહ વિશે શંકા
બીજી ટેસ્ટ પહેલા, સૌથી મોટી ચર્ચા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે એજબેસ્ટન ખાતે યોજાનારી આ મેચમાં રમશે કે નહીં. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોઇશે એ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આગામી 24 કલાકમાં બુમરાહની ફિટનેસ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બુમરાહ અંગે, ડોઇશે એ કહ્યું કે, "જસપ્રીત બુમરાહ પસંદગી માટે ઉપલબ્ધ છે. શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે તે આ સિરીઝની પાંચમાંથી ત્રણ મેચ રમશે. છેલ્લી ટેસ્ટ પછી તેને આઠ દિવસનો વિરામ મળ્યો છે. અમે વર્તમાન પિચ, તેની ફિટનેસ, વર્કલોડ અને ભવિષ્યની મેચોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું. હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી."
બે સ્પિનર કોણ હશે?
કોચે એ પણ સ્પષ્ટ કર્યું કે ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિનર સાથે જવાની યોજના બનાવી રહી છે. બીજી ટેસ્ટ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનર પસંદ કરવાની શક્યતાએ રસપ્રદ પરિસ્થિતિ ઊભી કરી છે. લીડ્સની પિચની જેમ, એજબેસ્ટનની પિચ પણ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. ઉપરાંત, ગરમ હવામાનને કારણે, પિચ ધીમી પડી જશે અને સ્પિનરને મદદ કરશે તેવી અપેક્ષા છે. પ્રથમ ટેસ્ટમાં, ટીમ ઈન્ડિયાને બીજા સ્પિનરને ઉણપ જણાઈ હતી, અને તેને ધ્યાનમાં રાખીને, ડોઇશે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે આ વખતે ટીમ બે ફ્રન્ટલાઈન સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. તેણે કહ્યું કે, "અમારી રણનીતિમાં ફેરફારની દરેક શક્યતા છે. બે સ્પિનરને રમવાની પ્રબળ શક્યતા છે. તે બે કોણ હશે તે જોવાનું બાકી છે."