
પ્રથમ ટેસ્ટમાં મળેલા પરાજય બાદ યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાની સામે બેઠા થવાનો પડકાર છે, ત્યારે એજબેસ્ટનના મેદાન પરની ભૂતકાળનો કંગાળ રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાની પરેશાની વધારી શકે છે. હવે બીજી જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડની સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. ભારતનો રેકોર્ડ એજબેસ્ટનમાં અત્યંત કંગાળ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા આ મેદાન પર રમાયેલી આઠમાંથી એક પણ ટેસ્ટ મેચ નથી જીતી શકી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી સાત ઈંગ્લેન્ડ જીત્યું છે અને એકમાત્ર 1986ની ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.
હવે ગિલના નેતત્વ હેઠળની ટીમની સામે સિરીઝમાં કમબેક કરવાની અને વિનિંગ કોમ્બિનેશન ગોઠવવાની સમસ્યા તો છે જ, તેની સાથે એજબેસ્ટનમાં પણ ઈતિહાસ રચવાનો પડકાર છે.ઈંગ્લેન્ડની ટીમનો આ મેદાન પરનો રેકોર્ડ ચડાવ-ઉતારથી ભરેલો રહ્યો છે. વર્ષ 2010થી અત્યાર સુધીમાં એજબેસ્ટનમાં રમાયેલી 12માંથી 8 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવી છે. જ્યારે 3માં હારનો સામનો કર્યો છે અને એક ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. ભારત માટે ઉત્સાહજનક રેકોર્ડ એ પણ છે કે, એજબેસ્ટન ખાતેની છેલ્લી પાંચમાંથી ત્રણ ટેસ્ટમાં પ્રવાસી ટીમ વિજેતા બની છે, જ્યારે ઈંગ્લેન્ડ માત્ર બે જ મેચમાં જીત મેળવી શક્યું છે, જેમાંની એક ભારત સામેની છે.
એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ મુકાબલા
ટીમ ઈન્ડિયા આ મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મેચ 1967ના પ્રવાસમાં રમી હતી અને તે મેચમાં ભારતનો 132 રનથી પરાજય થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 1974 અને 1979માં એજબેસ્ટન ટેસ્ટમાં ઈનિંગથી હારી ગઈ હતી. 1986માં કપિલ દેવના નેતૃત્વ હેઠળની યીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં સિરીઝ જીતવાની સિદ્ધિ મેળવી, તે પ્રવાસમાં એજબેસ્ટનની ટેસ્ટ ડ્રો થઈ હતી. જોકે આ પછી 1996, 2011, 2018 અને 2022માં ટીમ ઈન્ડિયાને એજબેસ્ટોનનું મેદાન ફળ્યું નથી અને આ પ્રવાસ દરમિયાન એજબેસ્ટનમાં રમાયેલી તમામ ટેસ્ટ ભારત હારી ગયું હતું.
એજબેસ્ટનમાં ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ રેકોર્ડ
વિજેતા | માર્જીન | વર્ષ |
ઈંગ્લેન્ડ | 132 રન | 1967 |
ઈંગ્લેન્ડ | ઈનિંગ, 78 રન | 1974 |
ઈંગ્લેન્ડ | ઈનિંગ, 83 ૨ન | 1979 |
કોઈ વિજેતા નહીં | મેચ ડ્રો ગઈ હતી | 1986 |
ઈંગ્લેન્ડ | 8 વિકેટ | 1996 |
ઈંગ્લેન્ડ | ઈનિંગ, 242 રન | 2011 |
ઈંગ્લેન્ડ | 31 રન | 2018 |
ઈંગ્લેન્ડ | 7 વિકેટ | 2022 |
સાત ખેલાડીઓને એજબેસ્ટનમાં રમવાનો અનુભવ
ટીમ ઈન્ડિયામાં સામેલ સાત ખેલાડીઓ એજબસ્ટનમાં ટેસ્ટ મેચ રમવાનો અનુભવ ધરાવે છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2022ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં એજબેસ્ટનમાં ટેસ્ટ રમી હતી. તે ટેસ્ટમાં રમી ચૂકેલા ગિલ, પંત, જાડેજા, શાર્દૂલ, બુમરાહ અને સિરાજ હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ ખેડી રહેલી ટીમમાં પણ સામેલ છે. 2022ની ટેસ્ટમાં પંતે પ્રથમ ઈનિંગમાં 146 રન અને બીજી ઈનિંગમાં 57 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ પણ તે ટેસ્ટમાં 104 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કે. એલ. રાહુલને તે અગાઉ 2018માં રમાયેલી ટેસ્ટમાં સ્થાન મળ્યું હતું.