
પહેલગામના ત્રાસવાદી હુમલા પછી આખા દેશમાં આક્રોશનો માહોલ છે. એ સંજોગોમાં પાકિસ્તાની એક્ટરની ફિલ્મ ભારતમાં રિલીઝ કરવાનું જોખમ કોણ લે? આપણી વાણી કપૂરની પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથેની રોમાન્ટિક કોમેડી ફિલ્મ 'અબિર ગુલાલ'ની રિલીઝ મોકૂફ રખાઈ. ડિરેક્ટર આરતી એસ. બારડીની આ ફિલ્મ 9મી મેએ રિલીઝ થવાની હતી.
હવે 'અબિર ગુલાલ' ની રિલીઝ પર મોટું પ્રશ્નચિહ્ન મુકાઈ ગયું છે ત્યારે મિડીયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવું જોઈએ કે નહીં. આ પ્રશ્ન તાજેતરમાં જાવેદ અખ્તરને પૂછાયો. જાવેદ સાહેબે એનો અલગ અલગ એંગલથી જવાબ આપ્યો. સૌથી પહેલા એમણે ભારતવાસીઓ પાકિસ્તાની આર્ટિસ્ટોને પહેલેથી કેટલા ઉમળકાથી આવકારતા આવ્યા છે એનો ઉલ્લેખ કર્યો. જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝનો દાખલો આપતા જાવેદ અખ્તરે કહ્યું, "તેઓ ફક્ત પાકિસ્તાનના નહીં, આખા ભારતીય ઉપખંડના શાયર હતા. તેઓ પ્રેમ અને શાંતિના પ્રવર્તક હતા. ફૈઝ સાહેબ અટલ બિહારી વાજપેયીના શાસનમાં ભારત આવ્યા હતા. એમને આપણા દેશમાં કોઈ દેશના પ્રમુખ જેટલું માન મળ્યું. સરકાર અને લોકો દ્વારા એમના માટે લાલ જાજમ બિછાવી દેવાઈ, પરંતુ સામા પક્ષે પાકિસ્તાનમાં આવું કદી નથી થયું. 1960 અને 70ના દશકમાં લતા મંગેશકર પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય ભારતીય કલાકાર હતા. છતાં પાકિસ્તાનમાં એમનો એક પણ પ્રોગ્રામ કેમ ન યોજાયો? આપણે ખુલ્લા દિલથી પાકિસ્તાની આર્ટિસ્ટોને આવકાર્યા છે પણ સામા પક્ષે એવી લાગણી જોવા નથી મળતી."
જાવેદ અખ્તરના મતે આજના સંજોગોમાં પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવું જોઈએ કે નહીં એ પ્રશ્ન ભારતમાં અસ્થાને છે. તાજેતરમાં જે બન્યું છે એ જોતા આ વિષય પર ચર્ચા જ ન થવી જોઈએ. પહેલગામના બનાવ બાદ બંને દેશો વચ્ચે સમખાવા પૂરતો પણ ભાઈચારો બચ્યો નથી. વધુ અનુકૂળ પરિસ્થિતિમાં આ મુદ્દા પર વિચારી શકાય.
અમુક વરસો પછી પાકિસ્તાનને સદબુદ્ધિ આવશે અને ત્યાંની સરકારનું ભારત પ્રત્યેનું વલણ સુધરશે. ત્યારે આ વિશે વિચારી શકાય પણ અત્યારે તો એ શક્ય જ નથી, એમ જાવેદ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહે છે.