
NEET અને JEE હાલમાં વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે. મેડિકલ સેક્ટરમાં જવા માંગતા વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી NEETની પરીક્ષા આપે છે, જ્યારે JEE એન્જિનિયરિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે, પરંતુ આ બંને ક્ષેત્રોમાં સીટ ઓછી હોય છે અને વિદ્યાર્થીઓ ઘણા છે. આવી સ્થિતિમાં, દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ NEET અને JEEમાં નિષ્ફળ જાય અને તેમનું સપનું ચકનાચૂર થઈ જાય છે, પરંતુ સત્ય એ છે કે 12મા ધોરણ પછી ફક્ત NEET અને JEEમાં જ કારકિર્દી નથી. વિદ્યાર્થીઓ ઓફ બીટ કોર્સ પસંદ કરીને પણ શાનદાર કારકિર્દી બનાવી શકે છે. ચાલો અમે તમને 7 ઓફ બીટ કોર્સ વિશે જણાવીએ, જેને પૂર્ણ કરીને તમે લાખોની કમાણી કરી શકો છો.
વીડિયો ગેમ ડિઝાઇનિંગ
જો તમે ગેમ્સ રમવાના શોખીન છો, તો વીડિયો ગેમ ડિઝાઇનિંગનો કોર્ષ તમારા માટે છે. તે ફક્ત કોડિંગ કે ગ્રાફિક્સ નથી, પરંતુ એક સંપૂર્ણ આર્ટ છે. આમાં, તમે શીખી શકશો કે ગેમ કેવી રીતે બને છે, તેના લેવલ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, કેરેક્ટર કેવી રીતે બનાવવામાં આવે છે અને ગેમની આખી વાર્તા કેવી રીતે બને છે. આજે ગેમિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે અને તેમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ખૂબ માંગ છે. શરૂઆતના તબક્કામાં, તમે વાર્ષિક 3થી 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો અને અનુભવ સાથે આ આવક 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન
જો તમે જાણવા માંગતા હોવ કે ફિલ્મો અને સિરિયલો કેવી રીતે બને છે, તો આ કોર્સ તમારા માટે શ્રેષ્ઠ છે. આમાં, ડાયરેકશન, સિનેમેટોગ્રાફી (ફિલ્મ શૂટિંગ), પ્રોડક્શન, એડીટીંગ અને સાઉન્ડ ડિઝાઇન જેવી ઘણી બાબતો શીખવવામાં આવે છે. આ કોર્સ તમને કેમેરા પાછળની આખી દુનિયાને સમજવા અને તેમાં કામ કરવાની તક આપે છે. શરૂઆતમાં, તમે વાર્ષિક 4થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
ફોટોગ્રાફી
ફોટોગ્રાફી એ ફક્ત ફોટો લેવા વિશે જ નથી, પરંતુ આર્ટ અને ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ છે. જો તમારી પાસે સુંદરતાને ઓળખવાની અને તેને કેમેરામાં કેદ કરવાની સ્કિલ છે, તો તમે તેમાં કારકિર્દી બનાવી શકો છો. આ ક્ષેત્રમાં મેરેજ ફોટોગ્રાફીથી લઈને વાઈલ્ડલાઈફ અને પ્રોડક્ટ ફોટોગ્રાફી સુધી અસંખ્ય તકો છે. શરૂઆતની કમાણી વાર્ષિક 3થી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, જે અનુભવ અને કામની ગુણવત્તા સાથે ઘણી વધી શકે છે.
ઈવેન્ટ મેનેજમેન્ટ
લગ્ન હોય કે કોર્પોરેટ ઈવેન્ટ, મ્યુઝિક કોન્સર્ટ હોય કે મોટી કોન્ફરન્સ, દરેક મોટી ઈવેન્ટને સફળ બનાવવા પાછળ ઈવેન્ટ મેનેજરનો હાથ હોય છે. આ કોર્સમાં, તમને ઈવેન્ટ પ્લાનિંગથી લઈને તેના અમલીકરણ સુધી બધું જ શીખવવામાં આવે છે. આ એક એવી નોકરી છે જેમાં તમે સતત નવા લોકોને મળો છો અને દરરોજ કંઈક નવું કરો છો. શરૂઆતમાં, તમે વાર્ષિક 2થી 4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો, જે પછીથી 8 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
અર્બન ટ્રાવેલ મેનેજમેન્ટ
જેમ જેમ શહેરો વિકસી રહ્યા છે, તેમ તેમ તેમાં મુસાફરી અને ટુરીઝમનો માર્ગ પણ બદલાઈ રહ્યો છે. અર્બન ટ્રાવેલ મેનેજમેન્ટનો કોર્સ તમને સ્માર્ટ ટ્રાવેલ, અર્બન ટુરીઝમ અને પેસેન્જર મેનેજમેન્ટ વિશે શીખવે છે. તે એવા લોકો માટે છે જેઓ શહેરો અને ટુરીઝમના વિકાસમાં રસ ધરાવે છે. આમાં, શરૂઆતમાં, તમે વાર્ષિક 4થી 8 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો, જે 9-10 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
સ્પોર્ટ્સ મેનેજમેન્ટ
ભારત હંમેશાથી સ્પોર્ટ્સ પ્રત્યે ઉત્સાહ ધરાવતું રહ્યું છે, અને હવે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી એક મોટા બિઝનેસ તરીકે ઉભરી રહી છે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો કોર્સ તમને સ્પોર્ટ્સની ઈવેન્ટ, ટીમો અને સ્પોર્ટ્સ સંબંધિત બિઝનેસને મેનેજ કરવાનું શીખવે છે. જો તમે સ્પોર્ટ્સના શોખીન છો અને મેનેજમેન્ટ સ્કિલ્સ પણ ધરાવો છો, તો આ કોર્સ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. આમાં, તમે વાર્ષિક 5થી 10 લાખ રૂપિયાની પ્રારંભિક આવક મેળવી શકો છો.
કોસ્મેટોલોજી
આજકાલ લોકો તેમની ત્વચા, વાળ અને દેખાવ પ્રત્યે ખૂબ સભાન બન્યા છે. કોસ્મેટોલોજીનો કોર્સ તમને સ્કિન કેર, હેરસ્ટાઇલ, મેકઅપ અને બોડી ટ્રીટમેન્ટ વિશે માહિતી આપે છે. આ એક ઝડપથી વિકસતું ક્ષેત્ર છે, જ્યાં તમે લોકોને સુંદર અને સ્વસ્થ અનુભવવામાં મદદ કરી શકો છો. આ ક્ષેત્રમાં પ્રારંભિક આવક વાર્ષિક 2થી 6 લાખ રૂપિયા હોઈ શકે છે, અને અનુભવ સાથે તે વધી શકે છે.