
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે 5 વિકેટથી હારી ગયું હતું. આ મેચની ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલરોનું પ્રદર્શન સારું નહતું રહ્યું, જેના કારણે સાઉથ આફ્રિકાએ 282 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અનુભવી ફાસ્ટ બોલર મિચેલ જોનસને WTC ફાઈનલ પહેલા IPLને પ્રાથમિકતા આપવા બદલ પોતાના જ દેશના ખેલાડી જોશ હેઝલવુડની ટીકા કરી છે.
જોશ હેઝલવુડ WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ એટેકનો ભાગ હતો. સ્કોટ બોલેન્ડ પહેલા તેને ટીમમાં તક આપવામાં આવી હતી. પરંતુ તે અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યો. તેણે ફાઈનલમાં માત્ર બે વિકેટ લીધી હતી. તેનું પ્રદર્શન જોયા પછી, મિચેલ જોનસન તેના પર ખૂબ ગુસ્સે છે. તેનું માનવું છે કે WTC ફાઈનલ પહેલા IPL રમવાનો તેનો નિર્ણય ખોટો હતો. જોનસન માને છે કે જો હેઝલવુડે IPL રમવાને બદલે WTC ફાઈનલ માટે તૈયારી કરી હોત, તો તે ટીમ માટે ખૂબ સારું હોત.
મિચેલ જોનસને જોશ હેઝલવુડની ટીકા કરી
મિચેલ જોનસને 'વેસ્ટ ઓસ્ટ્રેલિયન' માં પ્રકાશિત પોતાના કોલમમાં કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં તેણે હેઝલવુડ સાથે ફિટનેસને લઈને સમસ્યાઓ જોઈ છે. નેશનલ ટીમ સાથે તૈયારીઓને બદલે વિલંબિત IPLમાં વાપસીને પ્રાથમિકતા આપવાના તેના નિર્ણયથી લોકોને આશ્ચર્ય થયું છે. તમને જણાવી દઈએ કે મિચેલ જોનસન પણ છ IPL સિઝન રમી ચૂક્યો છે. તે આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહ્યો હતો.
જોનસને ઓસ્ટ્રેલિયાના બોલિંગ યુનિટ પર પ્રશ્નો ઉઠાવ્યા
આ દરમિયાન, તેણે ઓસ્ટ્રેલિયાના વર્તમાન બોલિંગ યુનિટને આપવામાં આવતી સતત તકો પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોનસને કહ્યું કે, "મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોન જેવા સફળ 'બિગ ફોર' બોલિંગ એટેકને પણ ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે નિશ્ચિત ન માની શકાય. જો આ બધા અનુભવી ખેલાડીઓ ફક્ત એશિઝ માટે જ ટીમમાં રહે છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ યોગ્ય માનસિકતા છે? હવે ભવિષ્યને સ્વીકારવાનો અને આપણા આગામી ટેસ્ટ ખેલાડીઓની પસંદગી કરવામાં આત્મવિશ્વાસ વધારવાનો સમય આવી ગયો છે."