
Junagadh News: ગોંડલ બાદ હલે જૂનાગઢમાંથી ભાજપ વિરુદ્ધ ભાજપની બબાલના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ભાજપના આગેવાન ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપ અગ્રણીએ ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રમુખ હરેશ ઠુંમરને વ્હોટસએપ કોલ કરી ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે વંથલીના સરપંચોએ ડીડીઓને સમર્થન જાહેર કરતા મામલો બીચક્યો હતો. ધમકી આપનાર સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જિલ્લા પંચાયતના ડીડીઓ સામે મોરચો માંડ્યો છે. દિનેશ ખટારીયા જિલ્લા સરપંચ યુનિયનના પણ પ્રમુખ હોવાનો દાવો કરે છે. તેમનો તાલુકા વંથલી પંથકના સરપંચોએ સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારીયાને બદલે ડીડીઓને ખુલ્લું સમર્થન આપ્યું છે.
વંથલી પંથકના સરપંચોને જિલ્લા પંચાયતના પ્રમુખે ચડામણી કરી હોવાની આશંકાથી દિનેશ ખટારીયાએ ધમકી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે પ્રદેશ ભાજપ તથા ધારાસભ્ય સાંસદ સહિતનાઓને રજૂઆત કરી હતી. ભાજપ આગેવાન દિનેશ ખટારીયા છેલ્લા ઘણા સમયથી ડીડીઓ સામે મોરચો ચલાવી રહ્યા છે. ડીડીઓ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખને ધમકી આપતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.