
સુરત જિલ્લામાં આવેલી કામરેજ સુગર મિલ ખાતે આજ રોજ મહત્વની બેઠક મળી હતી. સંયુક્ત રાષ્ટ્ર સહકારિતા વર્ષ ૨૦૨૫ અંતર્ગત બેઠક મળી હતી. આ બેઠક કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. યોજાયેલી બેઠકમાં સુગર મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.
બેઠકમાં ગંભીર ચર્ચા થઈ
બેઠકમાં સુગર મિલના ગત વર્ષના લેખાંજોખાં અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સભાસદો સાથે મળેલી બેઠકમાં બંધ પડેલી માંડવી સુગરમિલને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાડે ગયેલી માંડવી સુગર મિલને પણ કામરેજ સુગરે પોતાની શરતો સાથે ખરીદવાની તૈયારી દર્શાવી છે. ત્યારે માંડવી સુગર મિલને ખરીદવા અંગે પણ સભાસદો સાથે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.
ખાનગી સંસ્થાના બહિષ્કારની અપીલ
આજ રોજ યોજાયેલી બેઠકમાં હાજર રહેલા સભાસદોએ કામરેજ સુગરનાં સુચારૂ વહીવટને સ્વીકાર્યો હતો. જેને લઈને કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે સહકારી સંસ્થાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. તેના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સહકારી સંસ્થાઓ ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ખાનગી સંસ્થાઓનો બહિષ્કાર કરી સહકારી સંસ્થાઓને બચાવવા માટે સભાસદોને અપીલ કરવામાં આવી હતી.