
સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ વખતે કામરેજ પોલીસે ઉમા કોમ્પલેક્સના ત્રીજા માળે ચાલતા દેહ વ્યાપારના કેન્દ્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ મહિલાને મુક્ત કરાવી છે.
લાકડાના પાર્ટીશન બનાવાયા હતા
પોલીસને મળેલી બાતમીના આધારે, દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. પકડાયેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા , મોહંમદ શાબાદ મુનસીઅલી ઇદરેશી અને ગૌરવ મજમેરસિંગ ડંડોતીયાનો સમાવેશ થાય છે.તપાસમાં બહાર આવ્યું છે કે, અમરોલીનો શાબાદ મુનસીઅલી મહિલાઓને બહારથી બોલાવતો હતો.
મહિલાઓ સુરત-ડીંડોલી વિસ્તારની
મુક્ત કરાવાયેલી મહિલાઓ સુરતના ડીંડોલી અને ભેસ્તાન વિસ્તારની છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ 143(1)(એફ) અને 143(3) હેઠળ ગુનો નોંધ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશન આ કેસમાં ફરિયાદી બન્યું છે અને વધુ તપાસ ચાલુ છે.