
કપિલ શર્મા તેની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' નો બીજો ભાગ લઈને આવી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું જેમાં અભિનેતા નિકાહના કપડામાં જોવા મળ્યો હતો. હવે અભિનેતાએ તેની ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કર્યું છે જેમાં તે હિન્દુ વિધિ અનુસાર લગ્ન કરતો જોઈ શકાય છે. નવા પોસ્ટરમાં એક નવી દુલ્હન પણ છે. કપિલ શર્મા સફેદ અને લાલ રંગના પોશાકમાં જોવા મળે છે. તેની નવી દુલ્હન ગુલાબી રંગની સાડી પહેરી છે અને તેના ચહેરા પર ઘૂંઘટ છે.
કપિલ શર્માએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, "તમને બધાને શ્રી રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ". કપિલની આ પોસ્ટ પર ફેન્સે કમેન્ટ કરી છે અને ફિલ્મની રિલીઝ ડેટ પૂછી છે. એક યુઝરે કપિલની દુલ્હન બનેલી અભિનેત્રીની ઓળખ કરી અને કહ્યું તે ત્રિધા ચૌધરી લાગે છે. એક યુઝરે પૂછ્યું છે કે પાછલી ફિલ્મમાં ચાર પત્નીઓ હતી, હવે આ ફિલ્મમાં કેટલી હશે?
તમને જણાવી દઈએ કે, વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' માં કપિલ શર્માને ત્રણ પત્નીઓ હતી અને તે ચોથી પત્ની એટલે કે અભિનેત્રી એલી અવરામ સાથે પ્રેમમાં હતો. ત્રણ પત્નીઓની આ વાર્તામાં અરબાઝ ખાને પણ કામ કર્યું છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી અને બોક્સ ઓફિસ પર હિટ રહી. હવે લોકો 'કિસ કિસ કો પ્યાર કરું 2' ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અબ્બાસ-મસ્તાનની જોડીએ બનાવી છે. ફિલ્મની રિલીઝની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી. એવા અહેવાલો છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં થિયેટરમાં આવશે.