
કેશોદના બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ ઓઝત નદીના તૂટેલા પાળાના સમારકામ માટે આક્રોશ વ્યક્ત કરતાં અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોમાસામાં નદીના પાળા તૂટી જવાથી ખેતીની જમીનોને નુકસાન થયું હતું, પરંતુ 8 મહિના વીતવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન કરાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું
ખેડૂતોએ નદીના પાળા પર ઉભા રહીને પાળા બાંધો, વહેલા બાંધો જેવા સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો.ખેડૂતોએ જણાવ્યું કે સરકારે ઓઝત નદીને ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી તૂટેલા પાળાનું સમારકામ કરવા કોઈ પગલાં લેવાયા નથી.
ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી
આ સાથે બામણાસાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ નદીને ઊંડી અને પહોળી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનો અમલ ન થતાં ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી.