
બાળક પહેલીવાર શાળાએ જાય તે દરેક માતા-પિતા માટે એક મોટી અને ભાવનાત્મક ક્ષણ હોય છે. પરંતુ મોટાભાગે નાના બાળકો જ્યારે પહેલીવાર શાળાએ જાય છે ત્યારે ડરી જાય છે. નાના બાળકોને નવા વાતાવરણ, અજાણ્યા લોકો અને માતા--પિતાથી અલગ થવાનો ડર હોય છે. આ જ કારણ છે કે ઘણા બાળકો પહેલા દિવસે રડવા લાગે છે અથવા શાળાએ જવાથી ગભરાઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક આંસુ અને ડર વિના ખુશીથી શાળાએ જાય, તો તમે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ અજમાવીને તેને આરામદાયક અને આત્મનિર્ભર બનાવી શકો છો. માતા-પિતાએ પોતાના બાળકને પહેલીવાર શાળાએ મોકલવા માટે કેટલીક ટિપ્સનું પાલન કરવું જોઈએ.
શાળા માટે ઉત્સાહ વધારો
બાળકને શાળા સંબંધિત સુંદર વાર્તાઓ અને કવિતાઓ કહો. તેને કહો કે તેને ત્યાં નવા મિત્રો મળશે. ત્યાં ઘણા બધા રમકડા હશે અને ઘણી મજા કરવાની તક મળશે. શાળાના જોક્સ અને વાર્તાઓ બાળકનું મનોબળ વધારશે. શાળાને એક રોમાંચક સ્થળ તરીકે રજૂ કરો, જેથી બાળક શાળાએ જવા માટે ખુશ થાય.
શાળાની મુલાકાત લો
શાળા શરૂ થાય તે પહેલા તમારા બાળકને શાળાએ લઈ જાઓ. ત્યાં ક્લાસ રૂમ અને પ્લે ગ્રાઉન્ડ બતાવો. બાળકને શિક્ષકનો પરિચય કરાવો જેથી તે પોતાની ઓળખ સ્થાપિત કરી શકે. આનાથી બાળકને નવા વાતાવરણનો ડર ઓછો લાગશે અને જ્યારે તે પહેલીવાર શાળાએ જશે, ત્યારે તે જગ્યા તેને પરિચિત લાગશે.
રૂટીનમાં ફેરફાર કરો
ઘણા બાળકો તેમના બાળપણમાં રડતા રડતા શાળાએ જાય છે. આનું એક કારણ એ છે કે તેઓ શાળાના રૂટીન મુજબ પોતાને તૈયાર નથી કરી શકતા. તે સવારે ઉઠીને તૈયાર થવામાં સમય લે છે અને તેને શાળાએ જવાનું મન પણ નથી થતું. તેથી, શાળાએ જવાના થોડા દિવસ પહેલા, ધીમે ધીમે તમારા બાળકને શાળાના સમય મુજબ જાગવાની, નહાવાની અને ખાવાની આદત પાડો.
બાળકના ડરને સમજો
જો બાળક કહે કે તેને ડર લાગે છે, તો તેની લાગણીઓને હળવાશથી ન લો. પ્રેમથી સમજાવો અને ખાતરી આપો કે તમે તેની સાથે છો. જો બાળક રડે તો ગભરાશો નહીં. આ સામાન્ય છે અને ધીમે ધીમે સારું થશે. આત્મવિશ્વાસ રાખો, બાળક પણ તમારો આત્મવિશ્વાસ અનુભવશે.
ટિફિનમાં મનપસંદ વસ્તુઓ આપો
જ્યારે તમારું બાળક પહેલીવાર શાળાએ જાય, ત્યારે તેની મનપસંદ વસ્તુઓ તેના ટિફિનમાં આપો. આનાથી તેનું શાળામાં ધ્યાન કેન્દ્રિત રહેશે. ટિફિનના લાલચથી જ બાળક શાળાએ જવા માટે તૈયાર થશે.