
20 જૂનથી હેડિંગ્લી, લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પર ખુલીને વાત કરી હતી. તેણે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ અને 8 વર્ષ પછી તેના સાથી કરુણ નાયરની વાપસી પછી ટીમ પર પડેલા પ્રભાવ પર મૌન તોડ્યું હતું.
કોહલી-રોહિતની ગેરહાજરી પર કેએલ રાહુલે શું કહ્યું?
વિરાટ કોહલી અને રોહિત શર્માએ મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમની ગેરહાજરીમાં, ભારતીય ટીમ પહેલીવાર ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીને કારણે ભારતીય બેટિંગ ક્રમમાં ઓપનિંગ અને નંબર ચાર પોઝિશનની મોટી ખોટ ઉભી થઈ છે.
આ સંદર્ભમાં વાત કરતા કેએલ રાહુલે કહ્યું, "વિરાટ અને રોહિત છેલ્લા દાયકાથી ભારતીય ક્રિકેટના આધારસ્તંભ રહ્યા છે અને તેમની ખોટ સાલશે. મારી અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, હું ક્યારેય એવી ટીમમાં નથી રમ્યો જેમાં વિરાટ કે રોહિત ન હોય. મેં રમેલી 50થી વધુ ટેસ્ટ મેચોમાં, વિરાટ કે રોહિત, અથવા બંને હાજર રહ્યા છે. તેમના વગર ડ્રેસિંગ રૂમમાં પગ મૂકવો થોડું વિચિત્ર લાગે છે."
આ દરમિયાન રાહુલે કોહલી-રોહિતના નિવૃત્તિના નિર્ણયનું સન્માન કર્યું અને કહ્યું કે, "અલબત્ત, તમારે તેમના નિર્ણયનું સન્માન કરવું પડશે. તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે અને તેઓ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓ રહેશે, પરંતુ બાકીના ખેલાડીઓ માટે આગળ વધવાનો સમય આવી ગયો છે."
કરુણ નાયરની વાપસી પર કેએલ રાહુલે શું કહ્યું?
કરુણ નાયર લગભગ 8 વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. તેણે કેન્ટરબરીમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા-A માટે બેવડી સદી ફટકારી હતી અને IPL 2025 દરમિયાન દિલ્હી કેપિટલ્સ માટે 8 મેચમાં 198 રન બનાવ્યા હતા. તેની વાપસી પર, કેએલએ કહ્યું, "અમે 11 વર્ષની ઉંમરે સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અમે આ સફર પર છીએ. અમારા બંનેના જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. તેને તક મળી, તેણે ત્રેવડી સદી ફટકારી, ત્યારબાદ તેને ઘણા કારણોસર થોડા મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે છેલ્લા 2-3 વર્ષમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે અસાધારણ છે. આ બતાવે છે કે ટીમ નાયરની વાપસી અંગે કેટલી ઉત્સાહિત છે અને તેની પાસેથી શું અપેક્ષાઓ છે."