
ઓસ્ટ્રેલિયાથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જ્યાં એક ગુજરાતીએ પોતાના જ રૂમમાં રહેતા અન્ય ગુજરાતીની ચાકૂ મારીને હત્યા કરી દીધી છે. હાલ, પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના ?
મળતી માહિતી મુજબ, નવસારીનો મિહિર દેસાઈ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં પોતાના ગુજરાતી ભાઈબંધ સાથે રહેતો હતો. મંગળવારે (8 એપ્રિલ) કોઈ અગમ્ય કારણોસર મિહિરની તેના ભાઈબંધ સાથે બોલાચાલી થઈ અને બાદમાં આ બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઇ હતી. વિવાદના કારણે મિહિરના રૂમમેટને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે મિહિર પર ચાકૂના ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે હાથ ધરી તપાસ
પ્રાથમિક માહિતી મુજબ, હત્યા કરનાર વ્યક્તિ મૂળ ભારતીય અને ગુજરાતી હતો. જોકે, પોલીસે આ મામલે આરોપીની ઓળખ છતી નથી કરી. પોલીસે મિહિરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયામાં મિહિરની હત્યાને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નવસારીમાં યુવકના ઘરે લોકો ગમગીન છે. હજુ સુધી મિહિરના મૃતદેહને ભારત લાવવો કે નહીં તે વિશે પરિવારજનો દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.