છોટાઉદેપુરના નસવાડીથી બે કિલોમીટર દૂર કોયારી ગામ આવેલું છે. જ્યાં બે શિક્ષકો ફરજ બજાવે છે. આઠ બાળકોની સંખ્યા છે. પ્રાથમિક શાળાના બે ઓરડા જર્જરિત છે. આ ઓરડા પ્લાસ્ટિકની પ્લેટ લગાવીને દીવાલો બનાવવામાં આવેલી છે. તેમજ છત ઉપર પતરા મારવામાં આવેલા છે. જયારે ફ્લોરિંગ તૂટી ગયેલું છે. બાળકોને બેસવાની તકલીફ પડતા શાળાના આચાર્યએ નજીકમાં આવેલા એક ખેડૂત ઘરમાં બાળકોને શિક્ષણ આપવા માટે મજબુર બન્યા છે.
ગ્રામજનોના ઘરમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબુર
આ શાળામાં અગાઉ 20 થી 25 બાળકો ની સંખ્યા રહેતી હતી. પરંતુ શાળાનું મકાન સારું ના હોવાથી વાલીઓ નસવાડી ખાતે બાળકોને અભ્યાસ માટે મોકલે છે. પ્રાથમિક શાળા એ શિક્ષણ નું પ્રથમ પગથિયું છે. આદિવાસી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે હોવાથી આદિવાસી સમાજના લોકો પ્રાથમિક શાળામાં જ બાળકોને અભ્યાસ કરાવે છે. ત્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવતી નથી. જર્જરિત થાય ત્યારે ગ્રામજનોના ઘરમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબુર બને છે.
ગરમીમાં પંખા વિના પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી
વિકાસની ગાથાઓ નેતાઓ ગાય છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાઓમાં ઓરડા વિના બાળકો બીજાના ઘરમાં બેસીને અભ્યાસ કરતા હોવાથી પૂરતું શિક્ષણ મળતું નથી. બાળકોને વાર્ષિક પરીક્ષા આપવામાં પણ મુશ્કેલી પડે છે. કાળઝાળ ગરમીમાં પંખા વિના પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી આદિવાસી વિસ્તાર માટે વહેલી તકે ઓરડાઓની મંજૂરી આપે તે જરૂરી બન્યું છે. હાલ તો નાના ભૂલકાઓ મુશ્કેલીઓ વચ્ચે પણ આખું વર્ષ અભ્યાસ પૂરો કર્યો છે. ત્યારે નવા સત્રમાં નવી શાળા મળે તે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે.