છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું છેવાડાના કેલધરામાં 2500 ની વસ્તી છે. ગામમાં પાણીની ટાંકી છે. નર્મદામાંથી પાણી લઈને હાંફેશ્વર પાણીપુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. હાંફેશ્વર પાણી પુરવઠાનું પાણી દાહોદ સુધી લઈ જવામાં આવ્યું છે. પરંતુ આ ગામને પાણી નથી મળતું. ગામમાં 100 જેટલા પાણીના બોર અલગ અલગ ફળિયામાં કરવામાં આવ્યા છે. તેના જળ સ્તર નીચા જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઇ રહ્યા છે. અમુક બોર બંધ થઈ ગયા છે. નદી-કોતર સુકાઈ ગયા છે.આ ગામમાં લગ્ન પ્રસંગ નારણભાઇ રાઠવાની દીકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા. જાન આવવાની ઘડીઓ ગણાતી હતી. તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાઈ સાથે નદીના સામે કિનારે આવેલ હેન્ડ પંપ ઉપર પહોંચીને પાણીના બેડાં ભરી લાવી હતી.
સાસરે જતાં પહેલાં પિયરનો પ્રશ્ન ઉજાગર કર્યો
લગ્નમાં આવેલા મહેમાનો પણ પાણી લાવવા માટે મદદે આવ્યા હતા. આ ગામમાં 4 જેટલા ફળીયા આવેલા છે. જેમાં બોર સુકાઈ જતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. લોકોએ કૂવા ખોદયા હતા. તે પણ સુકાઈ ગયા છે. સરકાર હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી. કવાંટ તાલુકાના છેવાડાના ગામો મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છે. તે ગામો પાણીની તંગી ભોગવી રહ્યા છે. ત્યારે દુલ્હનના જણાવ્યા મુજબ મારું લગ્ન હતું. મારા ઘરે મહેમાન આવતા પાણી બોરમાં ન આવતા હેન્ડ પંપ હલાવીને પાણી લેવા મજબૂર બન્યા હતા. મારા ઘરે મહેમાનો આવ્યા હતા. ટેન્કર અને પાણીના કુલરો મંગાવ્યા હતા. તે પણ ખલાસ થઈ ગયા હતા. ઢોલનગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકી અને પાણી ભરવા જવું પડ્યું હતું. જેથી ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકાર કરે.
પાણી વિના ટળવળતા લોકો
ગ્રામજનના જણાવ્યા મુજબ અમારા ગામમાં 100 જેટલા બોર હાલ છે. ઘરે ઘરે નળ બેસાડવામાં આવેલા છે. પરંતુ, બોરમાં પાણી ખલાસ થઈ ગયું છે. હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને 10 કિલોમીટરમાં આપવામાં ન આવ્યું. હાલ તો અમારું ગામ પાણી વિના ટળવળી રહ્યું છે. વિકાસની વાતો ખોટી છે. દુલ્હનના પિતાના જણાવ્યા મુજબ ઉનાળો શરૂઆત થતાની સાથે જ પાણીની તંગી ઊભી થઈ છે. મારી દીકરીના લગ્ન હોવા છતાંય મારી દીકરીને અને એની બહેનપણીઓને લગ્નની વિધિના પહેલા હેન્ડ પંપ ઉપર પાણી ભરવા જવું પડ્યું હતું.