
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામ નજીકથી પસાર થતી ધામણી નદી ઉપર મિની પૂલ બનાવવા માટે ગામ લોકો વર્ષોથી તંત્રમાં રજૂઆતો કરે છે .પરંતુ તેમની વાત તંત્રના અધિકારીઓ સાંભળતા નથી. જેથી આજે ગામના લોકો જૂના કોઝ વે પર ઉભા રહી તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર અને ઢોલ વગાડી અનોખી રીતે તંત્ર સુધી તેમની વાત પહોંચવા માટેનો પ્રયાસ કર્યો હતો.
ગામ વચ્ચેથી નદી પસાર થાય છે
સિહાદા ગામ ની વસ્તી આશરે 7000ની છે. ગામની વચ્ચેથી પસાર થતી ધામણી નદીને લઈ ગામ બે ભાગમાં વહેચાયુ છે. ગામની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા છે. નદીની એક બાજુ પંચાયત આવેલી છે. તો બીજી બાજુ વિદ્યાર્થીઓની શાળા તાલુકાના મુખ્ય મથકે જવું હોઇ તો ધામણી નદી ઉપરના લો લેવલના કોઝ વે ઉપરથી પસાર થવુ પડે છે. કોઝ વે જૂનો અને જર્જરિત હોવાથી કેટલીક જગ્યાએ મસમોટા ખાડા પણ પડી ગયા છે. જો રાહદારીની જરા ચૂક થાય તો ખાડામા પડી જવાય તેમ છે. કેટલાય લોકો ખાડામાં પડ્યા હોવાના બનાવો પણ અવાર નવાર બનતા રહે છે.
પાણીના વધવા વહેલણની ચિંતા
ગામના લોકોને ચોમાસાના સમયે ગામમાંથી પસાર થતી ધામણી નદી ઉપરના લો લેવલના કોઝ વે ઉપરથી પસાર થતાં ડર લાગી રહ્યો છે. ગામ લોકો જ્યારે કોજવે પરથી પસાર થાય ત્યારે મધ્ય પ્રદેશ તરફથી અચાનક નદીમા પાણી આવી જાય છે. લોકો સામે કિનારે પહોચતા પાણીમાં તણાવા લાગે છે. આ આવા જ કારણે ચાર લોકોના તણાઈ જવાથી મોત પણ થયા છે. સૌથી મોટી ચિંતા સ્કૂલ જતા બાળકોની છે. સ્કૂલ છૂટ્યા બાદ બાળકો કોઝ વે ઉપરથી પસાર થતા હોય અને જો અચાનક પાણી આવી જાય તો મોટી દુર્ઘટના પણ બની શકે. 108ની એમ્બ્યુલન્સ ન આવતા સામે કિનારે કવાંટ ખાતેના હોસ્પિટલમાં જવા માટે ગામ લોકોને દર્દી કે સગર્ભા મહિલા ઝોળીમાં કે ખાટલામાં નાખીને જ લઈ જવું પડે છે. કોઝ વે ઉપરથી થોડું પાણી વહેતું હોય ત્યારે કેટલીક વાર મજબૂરીમાં લોકો પસાર થતા હોય પણ પાણીનું વહેણ અચાનક વધે તો? એ પણ ચિંતા સતત લોકોને સતાવતી હોય છે.