છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરાથી કોચવડ જવાના રસ્તા ઉપર દૂધવાલ કોતર ઉપર લો લેવલનો કોઝ વે તૂટી ગયો છે. જેથી લોકોને ત્રણ કિલોમીટર ફરીને આવવું પડે છે. ચોમાસામાં સામેના કિનારે આવેલા ખેતરોમાં ખેડૂતો ખેતીકામ માટે ગયા હોય ત્યારે કલાકો સુધી પાણી આવી જાય ત્યારે ફસાઈ જાય છે.
લોકોને મુશ્કેલીનો કરવો પડે છે સામનો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરા ગામે 2500 લોકોની વસ્તી છે. જ્યારે સામેના કિનારે આવેલ કોચવડ ગામે 2000ની વસ્તી છે. વચ્ચેથી દૂધવાલ કોતર આવેલ છે. ત્યાં લો લેવલનો કોઝ વે છે. તે બિસ્માર હાલતમાં છે. જ્યારે ચોમાસાના સમયમાં મધ્યપ્રદેશ તરફથી આ કોતરમાં વરસાદી પાણી આવે છે. તો આ બે ગામોને જોડતા રસ્તા ઉપર આ લો લેવલનો કોઝ વે ઉપર પાણી ફરી વળે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેડૂતોને હાલાકી
બંન્ને ગામોના ખેડૂતોના ખેતરો એકબીજાના ગામોમાં આવેલા છે. લો લેવલનો કોઝ વે તૂટેલો હોવાથી ખેતીમાં પકવેલા માલ ખેતરમાંથી ઘરે લાવવા માટે ત્રણ કિલોમીટર ફરીને લાવવો પડે છે. જ્યારે ચોમાસાના સમયે આ ટૂંકા માર્ગ ઉપર લોકો ખેતીકામ માટે જાય છે. પાણી આવી જાય ત્યારે કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે. હાલ તો આ ગામના લોકો કોઝ વે ઉપર પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યા છે. આદીવાસી વિસ્તારના ગામોને જોડવા માટે સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. પરંતુ આજદીન સુધી આ બે ગામોને જોડતા કોતર ઉપર પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.