સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી HVK ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીમાં છેલ્લા કેટલાક સમયથી કામદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ફેક્ટરીમાં કાર્યરત 80થી વધુ રત્ન કલાકારો એ ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઘોષિત કરી છે. તેઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત છતાં તેમનું વેતન વધારવામાં આવતું નથી, જે કારણોસર તેમની જીવનશૈલી પર અસર પડી રહી છે.
અલગ અલગ વિભાગમાં અરજી કરાઈ
આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે લેબર વિભાગે ફેક્ટરી મેનેજમેન્ટ સામે પગલાં લેતાં કારણદર્શક નોટિસ ફટકારી છે અને કંપની પાસે જવાબ માગ્યો છે કે કેમ કામદારોની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા લાંબા સમયથી કામદારોની તનખ્વાહમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને કામદારોને પોતાની માંગ વ્યક્ત કરવા છતાં અવગણવામાં આવ્યા છે. તેથી આ પગલાં લેવામાં આવ્યા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પીએફ કમિશનર તેમજ માનવ અધિકાર આયોગ સમક્ષ પણ આ બાબતે અરજી કરવામાં આવી છે.
લેબર કોર્ટમાં કાર્યવાહીની ભલામણ
લેબર વિભાગે સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે જો નોટિસ પછી પણ કંપની દ્વારા લેબર કાયદાનું ઉલંઘન ચાલુ રહેશે, તો કંપની સામે લેબર કોર્ટમાં કાર્યવાહીની ભલામણ કરવામાં આવશે.હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર જોવા મળી છે અને હાલ કામદારો પોતાના અધિકાર માટે એકતાબદ્ધ રહીને પગલાં લઈ રહ્યા છે. આ કેસમાં આગળ શું વળાંક આવશે તે આગળના દિવસોમાં સાફ થશે, પણ હાલ માટે સુરતના હીરા ઉદ્યોગમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.