
- વોર ફિલ્મ્સમાં સૌથી મોટી ચેલેન્જ ફિલ્મનું રાઇટિંગ બની રહે છે. કોઈની આખી લાઈફ સ્ટોરી તમારે અઢી કલાકમાં કહી દેવાની હોય છે. તમે સિનેમેટિક લિબર્ટીના નામે આ ફિલ્મોમાં છૂટછાટ ન લઈ શકો.'
ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સર્જાયેલી યુધ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન ફરહાન અખ્તરે ડિરેક્ટ કરેલી 'લક્ષ્ય' ફિલ્મની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી. એમાંય પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો વારંવાર ભંગ થયા બાદ વાયરલ થયેલો 'લક્ષ્ય'નો એક સીન લોકોને બહુ સ્પર્શી ગયો. એ સીનમાં ઓમ પુરી હૃતિક રોશનને ચેતવણીના સૂરમાં કહે છે, 'પાકિસ્તાન સાથેની લડાઈમાં ફતેહ મળ્યા બાદ તરત ખુશીમાં ડુબી જવાની ભૂલ ન કરવી, કારણ કે પાકિસ્તાની સેના પાછી વળીને ફરી હુમલો કરે છે.'
ફરહાને ૨૦૦૪માં રિલીઝ કરેલી 'લક્ષ્ય' ફિલ્મમાં કારગિલ યુધ્ધનું અસરકારક ચિત્રણ કર્યું હતું.
હમણાં એક ઈવેન્ટમાં મીડિયાએ ફરહાનને એની ફિલ્મના વાયરલ થયેલો વિડિયોઝ વિશે કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા હતા. ફરહાન કહે છે, 'આજે હું 'લક્ષ્ય' ફરીથી રિલીઝ કરું તો લોકો એ ૩ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ જોઈને કહેશે, ઓહ માય ગોડ! બહોત લંબી ફિલ્મ હૈ. બે દાયકા પહેલાં 'લક્ષ્ય' રિલીઝ થઈ ત્યારે દર્શકોએ આવું રિએક્શન નહોતું આપ્યું. હકીકતમાં છેલ્લા ૨૫ વરસમાં પ્રેક્ષકોનો અટેન્શન સ્પાન બહુ ઘટી ગયો છે.'
અખ્તર પરિવારને સેના અને યુધ્ધનું બેકગ્રાઉન્ડ ધરાવતી મૂવીઝ સાથે સારું એવું લેણું રહ્યું છે. જાવેદ અખ્તરે 'બોર્ડર' માટે લખેલું ગીત 'સંદેસે આતે હૈં, હમેં તડપાતે હૈં' એક ક્લાસિક સોંગ બની ગયું છે, ફરહાને 'ભાગ મિલ્ખા ભાગ'માં આર્મીના ફ્લાઈંગ શીખ મિલખા સિંહનું પાત્ર આબેહુબ ભજવી એક્ટર તરીકેની પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. પછી હમણાં એપ્રિલમાં એસએફના જાંબાઝ ઓફિસર નરેન્દ્રનાથ ધર દુબેની રિયલ લાઈફ સ્ટોરી કહેતી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો' રિલીઝ થઈ, જે ફરહાને પ્રોડયુસ કરી હતી. હવે એનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર '૧૨૦ બહાદુર' નામની ફિલ્મ લઈને આવી રહ્યું છે. રજનીશ ઘાઈ ડિરેક્ટેડ આ ફિલ્મ નવેમ્બરમાં રિલિઝ થવાની છે અને એમાં ફરહાન પોતે મેજર શૈતાન સિંહના લીડ રોલમાં જોવા મળશે. '૧૨૦ બહાદુર' ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે ખેલાયેલી રેઝાંગ લા બેટલ પર આધારિત છે. મૂવીમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય સૈન્યના ૧૨૦ જવાનોએ દાખવેલા અતુલનીય અને અસાધારણ શૌર્યની ગાથા છે.
હોમ પ્રોડક્શનની આ ફિલ્મનું ડિરેક્શન રજનીશ ઘાઇને સોંપવા પાછળનું કારણ પૂછાતાં ફરહાન કહે છે, 'રજનીશ પોતે આર્મી ફેમિલીમાંથી આવે છે. એના પિતા આર્મીમાં હતા અને એનો ભાઈ પણ અત્યારે મિલીટરીમાં ફરજ બજાવે છે. રજનીશ શૈતાન સિંહ અને ૧૯૬૨ના ભારત-ચીન વોરની રેઝાંગ લા બેટલની વાતો સાંભળીને મોટો થયો. એ પહેલેથી આ સ્ટોરીને સિનેમાના સ્ક્રીન પર સાકાર કરવાના સપનાં સેવતો હતો.'
બીએસએફના કમાંડર નરેન્દ્ર નનાથ દુબેએ ૨૦૦૩માં કાશ્મીરના ખૂંખાર આતંકવાદી ગાઝીબાબાનું કાંટો કાઢવાનું મિશન બહાદૂરીપૂર્વક પાર પાડયું હતું. દુબેનું પાત્ર ગ્રાઉન્ડ ઝીરોમાં ઈમરાન હાશ્મીએ ભજવ્યું છે. એ વિશે વાત કરતા ફરહાન કહે છે, 'દુબેજીના આ વીરતાભર્યા મિશનને કારણે કાશ્મીરમાં શાંતિનો માહોલ રચાવો શરૂ થયો. એના વિના બીજા એક દશક સુધી કાશ્મીરમાં શાંતિ લગભગ અશક્ય હતી. દુબેજી પોતાને બીએસએફમાં મળેલી ટ્રેનિંગ અને શિસ્તને કારણે આ અતુલનીય કાર્ય પાર પાડી શક્યા. આવી વીરગાથાઓનો શ્રેય આપણી આર્મી અને બીએસએફ જેવી સુરક્ષા એજન્સીઓને જાય છે. એમનું ઘટતર એવી રીતે થયું એથી તેઓ આ બધુ કરી પ્રાતઃસ્મરણીય પાત્રો બની શક્યા.'
વોર ફિલ્મો બનાવવામાં સૌથી મોટો પડકાર શું હોય છે એવું પૂછાતાં જુનિયર અખ્તર કહે છે, 'સૌથી મોટી ચેલેન્જ ફિલ્મનું રાઇટિંગ બની રહે છે. એટલા માટે કોઈની આખી લાઈફ સ્ટોરી તમારે અઢી કલાકમાં કહી દેવાની હોય છે. જે વાતચીત અને પ્રસંગો છ મહિનામાં બન્યા હોય એ તમારે એક જ સીનમાં પડદા પર બતાવી દેવા પડે છે. એક બીજી વાત આવી સ્ટોરીઝ રિયલ હોય છે એટલે તમે સિનેમેટિક લિબર્ટીના નામે છુટછાટ લઈને હકીકતથી ફંટાઈ પણ ન શકો.
હું પર્સનલી એવું માનું છું કે સમાજને અને દેશને ઘણું બધું આપી ગયેલા આવા અસલી માનવોની સ્ટોરી પૂરેપૂરી ઇમાનદારીથી કહેવી જોઈએ, એમાં ચેડાં ન ચાલે.'