
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર વાયરલ થતા ભારે ચકચાર જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. તો આ મામલે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. લલિત વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય પર કરવામાં આક્ષેપ જો સાચા ન હોય તો તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવી જોઈએ. પત્રિકાના મૂળ સુધી પહોંચવું જોઈએ.
વધુમાં લલિત વસોયાએ ધોરાજી ઉપલેટામાં અંદરો અંદર જૂથવાદ હોવાની વાત કરી. અમરેલીના ધારાસભ્ય લેટર કાંડ મામલે તંત્ર દ્વારા જલ્દી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના લેટર બાબતે કેમ કાર્યવાહી નહીં તે પણ વિચારવા જેવી બાબત છે. અગાઉ પણ આજ પ્રકારે લેટર વાયરલ થયા હતા.
શું છે સમગ્ર મામલો?
ઉપલેટાથી મળતા અહેવાલ મૂજબ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર 'લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ' તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.