
Sikkim Landslide: પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. રવિવાર (01 જૂન, 2025) સાંજે સિક્કિમમાં એક આર્મી કેમ્પમાં ભૂસ્ખલનમાં કેટલાક સૈનિકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ભૂસ્ખલનમાં સેનાના નવ સૈનિકો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, રવિવાર (01 જૂન, 2025) સાંજે લગભગ 7 વાગ્યે ઉત્તર સિક્કિમના ચટ્ટનમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થવાને કારણે આસપાસના વિસ્તારોમાં અનેક ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા છે, અનેક લોકો ગુમ પણ થયા છે. મૃતકો અને ગુમ થયેલા લોકોની ઓળખ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
https://twitter.com/BROindia/status/1929393314190487770
સિક્કિમમાં 1500 પ્રવાસીઓ ફસાયા
ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, લોચન -લાચુંગ વિસ્તારોમાં લગભગ 1500 જેટલા પ્રવાસીઓ ફસાયેલા છે. મંગન જિલ્લાના એસપી સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે, લાચેનમાં 115 અને લાચુંગમાં 1,350 પ્રવાસીઓ રોકાયેલા છે. ભૂસ્ખલનને પગલે બંને બાજુથી રસ્તાઓ બંધ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાચુંગ સાથેનો માર્ગ વ્યવહાર પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો છે. આજથી પ્રવાસીઓનું સ્થળાંતર શરૂ થઈ જશે. BRO ટીમે ભૂસ્ખલનને કારણે એકઠા થયેલા કાટમાળને દૂર કર્રીને તૂટી ગયેલો રસ્તો ફરી બનાવ્યો છે. ફિડાંગમાં 'સસ્પેન્શન બ્રિજ' પાસેની તિરાડો ભરી દેવામાં આવી છે. એટલે લાચુંગ-ચુંગથાંગ-શિપ્યારે-શંકલાંગ-ડિક્ચુના માર્ગે ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનો રસ્તો તૈયાર કરાયો છે.