
23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે. પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા.
સ્વયંભૂ લોકો જોડાયા
મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતાં. મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા માટો વરાછા વિસ્તારમાંથી નીકળી હતી. જેમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ હતી. શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી.
લોકોમાં રોષ
આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિર્દોષોના મોત ક્યાં સુધી થશે તેવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. સુરક્ષા એજન્સી અને આર્મી સહિતની મેડિકલ સુવિધા ત્યાં નહોતી તે અંગે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યાં હતાં.
ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધૂફણિયા ગામના વતની છે. જોકે, સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2માં 29 નંબરનું મકાન તેમનું છે. પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ SBIમાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની SBIમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની SBIમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.