
આકર્ષક દેખાવા માટે સારા કપડા અને મેકઅપ સિવાય ઘણી બધી વસ્તુઓ જરૂરી છે. આમાં ચહેરાની સાથે હાથ અને પગની ત્વચાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સુંદર, સ્વચ્છ અને સ્વસ્થ હાથ અને પગ ફક્ત તમારી સુંદરતામાં જ વધારો નથી કરતા, પરંતુ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. આ માટે ઘણા લોકો મેનીક્યોર અને પેડિક્યોર કરાવે છે. પરંતુ કેટલાક લોકો માટે, તેમની વ્યસ્ત જીવનશૈલીમાંથી પોતાના માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
જો તમે મેનીક્યોર અને પેડિક્યોર કરાવવા માટે પાર્લરમાં નથી જઈ શકતા, તો તે તમે ઘરે સરળતાથી કરી શકો છો. થોડી મહેનત અને યોગ્ય ટેકનિકથી, તમે ઘરે સલૂન જેવા પરિણામો મેળવી શકો છો. જેના કારણે તમે તમારા હાથ અને પગ સ્વચ્છ અને સુંદર લાગશે.
આ રીતે કરો મેનીક્યોર
સૌથી પહેલા જો તમે નેઈલ પોલીશ લગાવી હોય તો તે કાઢી નાખો અને હાથ ધોઈ લો. આ પછી, એક મોટા બાઉલમાં હુંફાળું પાણી લો. હવે તેમાં થોડું શેમ્પૂ અને ચપટી મીઠું ઉમેરો. તમારા હાથને તેમાં 10થી 15 મિનિટ સુધી ડુબાડી રાખો. આ હાથને નરમ બનાવવામાં મદદ કરશે અને સાથે જ તેના પર જામેલી ગંદકી પણ દૂર કરશે. આ પછી, તમારા હાથ પર સ્ક્રબ લગાવો અને હળવા હાથે માલિશ કરો. જો તમે ઈચ્છો તો, ઘરે ઉપલબ્ધ વસ્તુઓથી પણ સ્ક્રબ બનાવી શકો છો. આનાથી ડેડ સ્કિન સેલ્સ દૂર કરવામાં મદદ મળશે. તેને સાફ કર્યા પછી, તમારા નખ યોગ્ય રીતે આકાર આપો અને તેને નેઈલ ફાઈલરથી સ્મૂધ કરો. તમારા હાથ પર કોઈપણ સારું લોશન કે ક્રીમ લગાવો અને 5થી 10 મિનિટ સુધી માલિશ કરો. આ પછી, જો તમે ઇચ્છો, તો તમે તમારા નખ પર તમારી મનપસંદ નેઈલ પોલીશ લગાવી શકો છો.
પેડિક્યોર માટે આ પદ્ધતિ અપનાવો
ઘરે પેડિક્યોર કરવા માટે, એક મોટા ટબમાં હુંફાળા પાણીમાં શેમ્પૂ, મીઠું અને એન્ટીસેપ્ટિક પ્રવાહીના થોડા ટીપાં મિક્સ કરો અને તમારા પગને તેમાં 5થી 10 મિનિટ સુધી પલાળી રાખો. થોડા સમય પછી, આ પાણીમાંથી તમારા પગ બહાર કાઢો. આ પછી, પ્યુમિસ સ્ટોન અથવા ફૂટ સ્ક્રબરથી એડી અને પગની ત્વચા સાફ કરો. જેથી ડેડ સ્કિન સેલ્સ દૂર થઈ શકે, ત્યારબાદ તેને ટુવાલથી સાફ કરો. હવે તમારા પગના નખ કાપીને નેઈલ ફાઈલરથી તેને આકાર આપો. નખને ગોળ આકાર આપો જેથી તે તૂટે નહીં. આ પછી, પગને પાણીથી સાફ કરો. હવે તમારા પગ પર સારી ફૂટ ક્રીમ અથવા નાળિયેર તેલ લગાવો અને આંગળીઓ અને એડીઓ પર સારી રીતે માલિશ કરો. આનાથી પગની સાથે શરીરને પણ રાહત મળશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.