Home / Lifestyle / Beauty : What could be the cause of hair damage?

sahiyar : વાળને નુકસાન થવાનું શું કારણ હોઈ શકે છે?

sahiyar : વાળને નુકસાન થવાનું શું કારણ હોઈ શકે છે?

સુંવાળા- લિસ્સાં - ચળકતાં કેશ ધરાવતી  પામેલા  પહેલી  નજરે જ મોહક લાગે. દેખાવમાં  સાધારણ  સ્ત્રી પણ  આવા સરસ વાળને કારણે સૌંદર્યમયી ભાસે.  આ  કારણે  જ રમણીઓ કંઈકેટલાય  પ્રકારના હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવા ઉપરાંત વિવિધ પ્રકારની હેર ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરતા નથી ખચકાતી.  અને  તેને કારણે  તેની સુંદરતામાં  વૃદ્ધિ થાય છે એ વાતમાં પણ બે મત નથી. પરંતુ અહીં એ વાત યાદ રાખવી ઘટે  કે ચળકતી  સઘળી પીળી ધાતુ સોનુ ન હોય. આપણને વાળને લિસ્સા-સુંવાળા- રેશમી બનાવતાં ઉત્પાદનો તેમ જ ટ્રીટમેન્ટની નરસી બાજુ  સમજવી પણ અત્યાવશ્યક છે. નિષ્ણાતો  તેના વિશે જાણકારી આપતાં કહે છે.....

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હીટ સ્ટાઈલિંગ ઉપકરણોનો વધારે પડતો ઉપયોગ

વાંકડિયા કે નદીના મોજાં  જેવા વાળ ધરાવતી  પામેલાઓ  અવારનવાર ફ્લેટ આયર્નનો ઉપેયોગ કરીને  કેશને રેશમી બનાવવાનો પ્રયાસ કરતી હોય છે. તેવી જ રીતે ફેશનેબલ મહિલાઓમાં કર્લિંગ વૉન્ડ્સ અને બ્લો ડ્રાયર્સનો ઉપયોગ પણ સામાન્ય થઈ પડયો છે. પરંતુ આ સઘળાં અતિશય ગરમ  ઉપકરણો વાળમાં  રહેલા પ્રાકૃતિક  તેલનો ખાત્મો  બોલાવી  દેતાં હોવાથી કેશ શુષ્ક  થઈ જાય છે.  અને સુકા વાળ  વધુ તૂટે- ખરે છે.  બહેતર છે કે  આ જોખમ  ઓછું કરવા સંબંધિત  ઉપકરણો  વધારે પડતાં તપી ન જાય એવું સેટિંગ  કરીને ઉપયોગમાં  લેવામાં આવે. સાથે  સાથે સારી ગુણવત્તાનું હીટ પ્રોટેક્શન સ્પ્રે પણ વાપરવામાં આવે.

સલ્ફેટ ધરાવતાં શેમ્પૂ : 

શેમ્પૂમાં  ભરપૂર ફીણ થાય એટલા માટે તેમાં સલ્ફેટ  નાખવામાં આવે છે. પરંતુ  આ રસાયણ  પણ કેશમાં  રહેલા કુદરતી  તેલનો  નાશ  કરીને વાળને સુકા- ખરબચડાં કરી નાખે છે. આ સ્થિતિ ટાળવા સલ્ફેટ - ફ્રી  શેમ્પૂનો  વપરાશ સલાહભર્યો ગણાય.

હેર કલરમાં રહેલા જલદ રસાયણો  :  

હેર ડાઈ અને બ્લીચિંગ પ્રોડક્ટ્સમાં વાપરવામાં આવતાં જલદ રસાયણો  વાળનો દાટ વાળવામાં કશું બાકી નથી રાખતા.  આમ છતાં વાળને   વારંવાર  કલર કરવાની કે પછી  ફેશન  ટ્રેન્ડને  અનુસરીને  કેશના કલર બદલતા રહેવાની  રમણીઓની  ઘેલછામાં ઘટાડો  જોવા નથી મળતો.  જો  તમે  તમારા  વાળ  રંગવાની આદત પર અંકુશ  ન મૂકી શકતા હો તો એમોનિયા  - ફ્રી કલર જ ખરીદો.  સાથે સાથે   બે ટ્રીટમેન્ટ વચ્ચે પૂરતો  સમયગાળો  રાખો જેથી  વાળને કળ વળે. 

ટાઈટ  હેરસ્ટાઈલ  અને  એક્સટેન્શન :

 પ્રસંગોપાત  કરવામાં આવતી ટાઈટ  હેરસ્ટાઈલ કે ઉપયોગમાં  લેવાતા હેર એક્સટેન્શન   તમારા કેશને ઝાઝી હાનિ નથી પહોંચાડતા.   અને  તમે જે તે પ્રસંગમાં  આકર્ષક  દેખાઓ  છો. પરંતુ સુંદર  લાગવા અવારનવાર  આ પ્રયોગ  કરવામાં આવે  તો તમારા વાળ મૂળમાંથી   ખેંચાઈને  ખરવા લાગે છે.

કેમિકલયુક્ત  કેરટીન ટ્રીટમેન્ટ :  

વારંવાર  ગૂંચવાઈ  જતાં વાળને  વ્યવસ્થિત  રાખવા માટે  બ્યુટી એન્ડ હેર ક્લિનિકના સંચાલકો  તમને કેરટીન  ટ્રીટમેન્ટ લેવાની   સલાહ અચૂક  આપશે.  તેઓ તમને કહેશે કે આ ટ્રીટમેન્ટથી તમારા  કેશ મેનેજેબલ થઈ જશે. પરંતુ આ ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં લેવાતા  મિશ્રણમાં  ઘણી  વખત  ફોર્મલડીહાઈડ જેવું જલદ  રસાયણ  ભેળવેલું  હોય છે જે માત્ર તમારા વાળને જ નહી, તમારા સમગ્ર સ્વાસ્થ્યને   ભારે હાનિ પહોંચાડે છે. તેથી આવી કોઈપણ ટ્રીટમેન્ટ   લેતી વખતે  તેમાં આ રસાયણ છે  કે કેમ તે અચૂક તપાસી  લો.  અથવા સિલ્કી  કેશ પામવા પ્રાકૃતિક  ઉપાયો  અજમાવો.

હેર બ્રશનો વધારે પડતો ઉપયોગ :

વાળને  બ્રશ વડે ઓળવામાં કંઈ ખોટું નથી. પરંતુ  વાળ  પર વારંવાર બ્રશ ફેરવતાં રહેવાથી તે તૂટે છે.  

તેમાંય  ભીનાં  કેશ  બ્રશ વડે ઓળવાની  ભૂલ ક્યારેય ન કરવી.  અથવા  મોટા દાંતાવાળો  કાંસકો  ઉપયોગમાં  લેવો. 

હોટ ઓઈલ  ટ્રીટમેન્ટની અતિશ્યોક્તિ  : 

વાળને  પૂરતું  પોષણ મળી રહે તેને માટે  હોટ ઓઈલ  ટ્રીટમેન્ટની  ભલામણ  કરવામાં આવે છે. પરંતુ કોઈપણ  બાબતમાં 'અતિની ગતિ ન હોય' ઉક્તિ યાદ રાખવી રહી. વાળમાં  પણ  જો વારંવાર  ગરમ  તેલની માલિશ કરવામાં આવે તો કેશ ચીકણા થઈ જાય  છે. પરિણામે  કેશમાં  રહેલા કુદરતી તેલનું સંતુલન  ખોરવાય  છે.  બહેતર  છે કે હોટ ઓઈલ ટ્રીટમેન્ટ એક કે બે અઠવાડિયાના   અંતરે અથવા તમારા  હેર કેર  પ્રોફેશનલે  કરેલી  ભલામણ અનુસાર  કરાવવામાં  આવે.

માનસિક તાણ અને પોષક આહારનો અભાવ : 

જરૂરી  નથી  કે વાળનું સૌંદર્ય   માત્ર બાહ્ય  ઉત્પાદનોને  કારણે જ હણાય  છે.  માનસિક  તાણ તેમ જ અયોગ્ય  આહાર પણ તેના માટે   એટલા જ જવાબદાર  બને છે.  ચિંતા-ફિકર,  માનિસક  તાણ વાળ ખરવાનું  મહત્ત્વનું   કારણ બની રહે છે.  તેવી જ  રીતે વિવિધ વિટામીન  અને ખનિજ તત્ત્વો વિનાનો,  માત્ર સ્વાદિષ્ટ  આહાર  ખાવાની ટેવ વાળને  પાતળા, શુષ્ક, ખરબચડાં  ચમક વિનાના બનાવવા માટે જવાબદાર હોય  છે. 

કવચિત જીભના ચટાકા  પોષવામાં કંઈ ખોટું  નથી.  પણ ફક્ત સ્વાદને પોષે અને સ્વાસ્થ્યને  હણે એવો આહાર શું કામનો ?  તમારા રોજિંદા   ભોજનમાં   દરેક જાતના  વિટામીન,  ખનિજ તત્ત્વો, પ્રોટીન જેવા  પ્રત્યેક પોષક તત્ત્વો  હોવા જ જોઈએ.  માનસિક  તાણ ઘટાડવા   કસરત, યોગ,  ધ્યાન  જેવી  રિલેક્સેશન થેરપી  સારું પરિણામ  આપી શકે.

Related News

Icon