
- અંકોડા ભેરવીને ચાલે છે પર્વો અને પરંપરાગત પોશાક
પર્વ એટલે પરંપરાગત પોશાક પહેરવાનો રૂડો અવસર. નખશિખ ફેશનેબલ અને વેસ્ટર્ન ડ્રેસ સિવાય ભાગ્યે જ કોઈ વસ્ત્રો પહેરનારી પામેલાઓ પણ તહેવારો દરમિયાન પરંપરાગત પરિધાન પર પસંદગી ઉતારે છે. આ રમણીઓમાં મનોરંજન જગતની પામેલાઓ મોખરે હોય છે. તેઓ તહેવારો દરમિયાન સીકવન સાડીથી લઈને ઘેરદાર અનારકલી, લહંગા- ચોલી પહેરવાનું પસંદ કરે છે. વળી હમણાં તો મહાપર્વ દિવાળી હોવાથી થોડાં દિવસ માટે તેમના પશ્ચિમી પોશાક કોરાણે મૂકાઈ ગયા છે. આજે આપણે ભારતીય પોશાક ધારણ કરીને ગર્વ અનુભવનારી કેટલીક સેલિબ્રિટીઓની વાત કરીશું.
આલિયા ભટ્ટ :
તાજેતરમાં અભિનેત્રી ઘેરા ગુલાબી રંગના લહંગા- ચોલીમાં જોવા મળી હતી. તેની ચોલીના નીચેના હિસ્સામાં મિરર વર્ક ઉડીને આંખે વળગતું હતું. તેના લહંગા- ચોલીમાં કરેલું અન્ય વર્ક અને પ્રિન્ટ મિરર વર્ક સાથે ત્રિકોણ સર્જતું હતું. અદાકારાએ આ ટ્રેડિશનલ પરિધાન સાથે હાથમાં મહેંદી જેવા લીલા રંગના કડાં અને વીંટી પહેર્યાં હતાં. જ્યારે કાનમાં ખભા સુધી આવે એટલે મોટા લટકણિયા પહેર્યાં હતાં.
દિશા પટાણી :
દિશા પટાણી દરેક જાતના પરિધાનમાં કમ્ફર્ટેબલ હોય છે. આ કારણે જ અભિનેત્રીને અફોર્ટલેસ ફેશનિસ્ટ કહેવામાં આવે છે. થોડાં દિવસ પહેલા જ એક ઈવેન્ટ દરમિયાન અદાકારાએ તેની સિગ્નેચર સ્ટાઈલમાં, એટલે કે ડીપ- નેક બ્લાઉઝ સાથે ગોલ્ડન- બ્લેક સાડી પહેરી હતી. જોકે તેની સાડી પહેરવાની સ્ટાઈલ એકદમ ખાસ હતી. તેમાં તેનું સિકવનથી ઝગમગતું બ્લાઉઝ અને એકવડી કસાયેલી કાયા ઉડીને આંખે વળગતી હતી.
જાહ્નવી કપૂર :
એક સમયમાં ગુજરાતી મહિલાઓ નવરંગી સાડી અને બનારસી સેલા હોંશે હોંશે પહેરતી. આજે આ પ્રકારના સંખ્યાબંધ રંગોના મેળાવડા ધરાવતી સાડી ફરી ફેશનિસ્ટાઓને આકર્ષી રહી છે. અભિનેત્રી જાહ્નવી કપૂરે એક પાર્ટીમાં નવરંગી સીકવન સાડી અને હીરાના અલંકારો પહેરીને ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું.
શોભિતા ધુલીપાલા:
શોભિતા તેના સાદગીભર્યા સૌંદર્ય માટે જાણીતી છે. તે સાડી પણ બિલકુલ પરંપરાગત રીતે પહેરે છે. તાજેતરમાં જ તે જાંબુડી રંગની બનારસી ધૂપ- છાંવ સાડીમાં જોવા મળી હતી. સાડીનો છૂટો છેડો, હાથમાં ડઝનબંધ ઝીણી બંગડીઓ અને કાનમાં ફૂલ આકારના બુટિયામાં તેનું સૌંદર્ય ખિલી ઉઠયું હતું.
તો હવે તમે પણ શી અવઢવમાં છો? 'મને તો સાડી પહેરવાનું બિલકુલ ફાવતું જ નથી' એમ કહીને આપણા પોતિકા પોશાક સામે મોં મચકોડવાને બદલે સરસ મઝાની સાડી પહેરીને ઉત્સવો ઉજવો. નવી સાડી ખરીદવાની ઈચ્છા ન હોયતો મમ્મી- સાસુ, નાની- દાદીની સાડી પહેરી લો.
- વૈશાલી ઠક્કર