Home / Lifestyle / Fashion : The first choice of young people is shorts, Bermuda shorts

Sahiyar : જુવાનિયાઓની પહેલી પસંદ શોર્ટસ,બર્મુડાની બોલ બાલા

Sahiyar : જુવાનિયાઓની પહેલી પસંદ શોર્ટસ,બર્મુડાની બોલ બાલા

ગ્લૉબલાઇઝેશન અને માર્કેટ ઇકોનોમીનેટ ઉજાગર કર્યાં બાદ ભારતમાં પશ્ચિમીકરણનું જાણે વાવાઝોડું ફૂંકાયું છે. અહીં કહેવાનું  તાત્પર્ય એ નથી કે ભારતમાં પશ્ચિમનું અનુકરણ આ પૂર્વે ક્યારેય નહોતું. પરંતુ છેલ્લા દસ વર્ષમાં તો પાશ્ચાત્યકરણે હદ વટાવી દીધી છે. એમાંય કરિના કપૂર,અનન્યા પાંડે,આલિયા ભટ્ટ જેવી સૌંદર્ય સામ્રાજ્ઞાીઓએ વિશ્વના તખ્તે પોતાના ઉપર આંતરરાષ્ટ્રીય મતુ મરાવ્યા બાદ તો સમગ્ર ભારત વર્ષના યુવાનો અને યુવતીઓને ફેશનના ક્ષેત્રે દિવાના બનાવી દીધા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક જમાનો હતો જ્યારે ગળાથી માંડીને પગની પાની સુધી શરીરને ઢાંકે તેવા પરિધાનોની બોલબાલા હતી. ધીમે ધીમે સમયની સાથે ફેશન વિશ્વમાં પરિવર્તન આવતું ગયું અને એ પરિવર્તન બ્રાન્ડેડ ટ્રાઉઝર સુધી પહોચ્યું. આજે પરિવર્તનની કમાલ તો જુઓ,કે બ્રાન્ડેડ ટ્રાઉઝરનું સ્થાન બ્રાન્ડેડ શોર્ટસે લઇ લીધું. મેટ્રો શહેરોમાં યુવા પ્રોફેશનલોમાં શોર્ટસ પ્રત્યેની દિવાનગી ખૂબ જોર પકડી રહી છે. સફેદ,ખાખી કે નેવી બ્લુ રંગના શોર્ટસ અને તે અનુરૂપ ટી-શર્ટ પહેરીને હવે યુવાનો તથા મધ્યમવયના સ્ત્રી-પુરુષો ફિલ્મ જોવા,  માર્કેટમાં કે અન્ય કોઇ સ્થળે ખૂબ જ સહજતાથી ફરતા જોવા મળે  છે. અરે,ઘણા યુવાનો તો પ્લેનમાં પણ શોર્ટસ પહેરેની જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.

આપણા સમાજમાં ઘણી સારી કંપનીઓમાં ટ્રાઉર્ઝ્સ,શર્ટ,ટાઇ તથા કોટની જ પ્રથા યથાવત્ છે અને તેમાં જ ઓફિસની શિસ્ત જળવાઇ રહે છે એવું તેમનું માનવું છે. જ્યારે હાલમાં નવી-નવી બનેલી કેટલીક જાહેરખબરની કે અન્ય માર્કેટીંગ કંપનીની ઓફિસમાં અધિકારીઓ શોર્ટસ પહેરીને પણ આવે છે.

આજની મધ્યમવયની સ્ત્રીઓ પણ બીનધાસ્ત શોર્ટસ પહેરીને ફરવા,ખરીદી કરવા કે ઘણી વખત તો પાર્ટીમાં પણ જાય છે. ૩૦ વર્ષીય પ્રિયા જણાવે છે કે,મને જે ગમે તે અને મને જેમાં સરળતા લાગે તે જ હું પહેરું છું. ઘણી વખત પાર્ટીમાં પણ હું શોર્ટસ પહેરીને જાઉં છું તો લોકોના ભવા ચડી જાય છે.પરંતુ હું તેની પરવા કરતી નથી.'

સ્પોર્ટસ એટલે કે રમતગમત કે સવાર-સાંજના ફરવા જવા માટે શોર્ટસ પહેરવું આરામદાયક છે? કે પછી ફક્ત ગરમાગરમ ફેશન છે? જેને  જોઇને ભલભલાના મોઢામાંથી ઊંહ,આહ,આહા નીકળી પડે છે. સ્ત્રીના પાતળા પગ અને ગોળ નિતંબને સુંદર આકાર આપતા શોર્ટસને હજી આપણા સમાજમાં જોઇએ તેવી માન્યતા તો મળી જ નથી. 

ભૂતપૂર્વ બાસ્કેટ બોલ ખેલાડી નીવેદિતા સિંહ કહે છે કે, શોર્ટસ એક સુવિધાજનક પરિધાન છે અમે તો શિયાળામાં પણ શોર્ટસ પહેરીએ છીએ. મારા પતિ વિદેશમાં જાય છે ત્યારે શોર્ટસ જ લઇ જાય છે. સોફ્ટવેર એન્જિનિયર નિનાદ બેનર્જી પણ શોટ્સમાં ખૂબ આરામદાયક મહેસૂસ કરે છે. તેનો દિવસ શોર્ટસથી શરૂ થઇને ઇવનીંગ શોર્ટસ પર પૂરો થાય છે. પરંતુ શોર્ટસ સાથે અન્ય કેટલીક વસ્તુઓ ઉપર પણ આપવું જરૂરી છે જેમ કે તેને અનુરૂપ ટી-શર્ટ,પગમાં સેન્ડલ કે ફ્લોટર્સ,હાથમાં ઘડિયાળ તથા બ્રેસલેટ વગેરે આ બધુ પહેરવાથી તમારા બાહ્ય વ્યક્તિત્વમાં એક ગજબનું પરિવર્તન આવી જાય છે.

શોર્ટસ ફક્ત કોલેજ જતી કન્યાઓ કે પચ્ચીસીની આસપાસની યુવતીઓ જ પહેરે છે એવું નથી પરંતુ યુવાન માતાઓ,મધ્યમવયની સ્ત્રીઓ સુધ્ધાં શોર્ટસને સુવિધાજનક ડ્રેસ સમજે છે અને સ્વીકારે છે. 

ટ્રાઉઝર્સ અને જીન્સ પહેરતી યુવતીઓ ખૂબ સહેલાઇથી શોર્ટસને અપનાવી લે છે ઘણા યુવા દંપતિઓ સાથે ખરીદી કરવા નીકળે છે ત્યારે તેઓ શોર્ટસ જ પહેરે છે જેથી તેઓ સરળતાથી હરીફરી શકે.

જો કે,ઉચ્ચ મધ્યમવર્ગમાં સહેલાઇથી અપનાવાઇ ગયેલુ શોર્ટસ કલ્ચર હજી મધ્યમવર્ગમાં ખૂબ સરળતાથી સ્થાન મેળવી શક્યું નથી. થોડા સમય માટે ન્યુયોર્ક કે લંડન ફરવા ગયેલા ગુજ્જુઓ (પછી ભલે તે ગમે તે વયના હોય) પાછા ભારત આવીને વિદેશની યાદોને તાજી રાખવા માટે શોર્ટસ પહેરીને જ ફરે છે તથા પોતે તે બાબતનો ગર્વ પણ મહેસૂસ કરે છે.ઘણા લોકો હવે લુંગી કે ધોતીને (દક્ષિણ ભારતના) બદલે શોર્ટસ પહેરવાનું જ પસંદ કરે છે. લુંગી પહેરીને ઘરમાંથી બહાર નીકળતા શરમ આવે છે પરંતુ ટુંકી ચડ્ડી પહેરીને ચોપાટીને દરિયા કાંઠે સહેલાઇથી આંટા મારી શકાય છે.એવી ઘણા દલીલ કરે છે. 

લોકોની આ નવી શોર્ટસ નસને પારખીને રેડીમેડ કપડા બનાવનારાઓ પણ વિવિધ ફેશનને અનુરૂપ શોર્ટસનું ઉત્પાદન કરવા લાગ્યા છે. ઉત્પાદકો જણાવે છે કે,જો સારી ડીઝાઇન અને સ્ટાઇલ હોય તો ગ્રાહક શોર્ટસ માટે પણ ઊંચી કિંમત ચૂકવે છે. શોર્ટસ બનાવતી એક જાણીતી કંપનીના બ્રાન્ડ મેનેજર જણાવે છે કે ફક્ત મુંબઇમાં જ એક મહિનામાં  ૫૦૦ જેટલી જોડીઓ વેચાય છે. જ્યારે આખા દેશમાં લગભગ ૨૫૦૦૦ જેટલી જોડીઓ એક મહિનામાં વહેચાય છે. જ્યારે વીકેન્ડર જેવી કંપની પણ ચાર વર્ષ પૂર્વે વાર્ષિક દસ લાખ  નંગ વહેંચતી હતી જેમાં હવે ચાર ગણો વધારો થયો છે.

ડીસીએમ બેનટન પણ માર્કેટ ઉપર કબજો જમાવવાની કોશિશ કરી રહી છે જ્યારે તેમનું એથનો વેસ્ટર્ન ડીઝાઇનર શોર્ટસ ખૂબ ઝડપથી જ પ્રખ્યાત થઇ જશે એવું લાગે છે.

ઉચ્ચ મધ્યમ વર્ગની આ લેટેસ્ટ ફેશન પરત્વે હજી મધ્યમવર્ગો એ તો નાકનું ટેરવું જ ચડાવ્યું છે. મધ્યમવર્ગની યુવતીઓ શોર્ટસ પહેરીને સહેલાઇથી બહાર જતી નથી. તેમણે સતત બસ કે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય છે જો તેઓ શોર્ટસ પહેરીને મુસાફરી કરે છે તો તેમણે બિભત્સ નજર અને ગંદા શબ્દોનો સામનો કરવો પડે છે. નાના ઘરમાં રહેતી આ છોકરીઓના માતા-પિતા તથા મોટાભાઇઓ પણ તેને શોર્ટસ પહેરવાની પરવાનગી નથી આપતા.

Related News

Icon