
ઉનાળામાં સૌથી વધુ ખવાતું ફળ કેરી છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ન ભાવે. ડાયાબિટિસ હોય એવી વ્યક્તિ પણ છાનેછપને કેરીનો ટેસ્ટ કરવાની તક ઝડપી લે છે. હવે તો કેરીના ઔષધીય ગુણો વિશે પણ અઢળક જ્ઞાન સોશિયલ મિડિયા પર જોવા-વાંચવા મળે છે.
આયુર્વેદમાં દ્રવ્યગુણવિજ્ઞાન પ્રમાણે કેરીમાં એવાં ઔષધીય તત્ત્વો છે જે ગ્રીષ્મ ઋતુના દોષોને દૂર કરીને મનુષ્યના શરીરનું પોષણ કરે છે, શરીરને બળ આપે છે અને એને નીરોગી રાખે. આચાર્યો કહે છે કે કેરી ગ્રાહી,ઠંડક આપનારી(પાણીમાં પલાળીને ખાધેલી),
કૃમિઘ્ન,દીપન-પાચન કરનારી તથા આંતરડાનાં દરદ ઝાડા,મરડો,અજીર્ણ,મંદાગ્નિમાં રાહત આપનારી છે.
આ ઉપરાંત આર્વેદશાસ્ત્રમાં કેરીના એક-એક અંગનો ઉપયોગ (આંબાના પાન,આંબામોર,કેરીની છાલ અને ગોટલી) સ્વીકાર્યો છે. એમાં પણ કેરીનો ગોટલો નાનાં-મોટાં દરદોમાં અતિશય ઉપયોગી અને ઉત્તમ ઘરગથ્થુ ઔષધ છે. આ માટે કેરી ખાઈ એનો ગોટલો ફેંકી ન દેતાં એને તોડી અંદરથી તાજી,લીલી અથવા ગોટલાને સુકાવીને એમાંથી કાઢેલી ગોટલી સુકાવવી. ત્યાર બાદ એને ખાંડીને એનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ કાચની એક શીશીમાં ભરી રાખવું અને મુખવાસ તેમ જ અનેક દરદમાં ઔષધરૂપે વાપરવું.
હરસ એટલે કે પાઇલ્સની વ્યાધિમાં વારંવાર લોહી પડતું હોય ત્યારે કેરીની ગોટલીનું ચૂર્ણ કરી રોજ દિવસમાં ચારથી છ વાર લેવાથી લોહી પડતું બંધ થઈ જાય છે, બાળકોના તેમ જ મોટા લોકોના પેટમાં કૃમિ હોય તો એમનો વિકાસ રૃંધાય છે. હાથપગ દોરડી અને પેટ માટલા જેવું થઈ જાય ત્યારે ગોટલીનું ચૂર્ણ અડધી-અડધી ચમચી માખણ સાથે લેવાથી કૃમિમાં તેમ જ કુપોષણજન્ય વિકારોમાં ફાયદો કરે છે.
કોઈ વ્યક્તિને મરડાની તકલીફ થઈ હોય ત્યારે પાતળા પાણી જેવા ઝાડા થાય છે,ખાધેલું પેટમાં ટકતું નથી. આવી સ્થિતિમાં દરદીને રોજ સવારે,બપોરે,સાંજે અને રાત્રે દિવસમાં ત્રણ-ચાર વાર અડધી ચમચી (બે-બે ગ્રામ) કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં સાથે આપવામાં આવે તો એને ખૂબ જ લાભ થાય છે.
વારંવારની પ્રસૂતિ કે સુવાવડને કારણે નબળા પડી ગયેલા સ્ત્રીઓના જનન અવયવો,ગર્ભાશય વગેરેને પણ કેરીની ગોટલી ફરી નીરોગિતા આપે છે તેમ જ ઢીલા પડી ગયેલા અવયવોનું યોગ્ય રીતે સંકોચન પણ કરે છે.
સ્ત્રીઓમાં પ્રદર અને જનન અવયવોમાંથી જતા સફેદ પાણી વખતે પણ ગોટલીનું ચૂર્ણ લેવાથી જનન અવયવોનું સંકોચન થાય છે અને પ્રવાહ આવતો અટકે છે.
શેકેલી ગોટલી ખાવાથી કે ચૂસવાથી દસ્ત સાફ આવે છે,આંતરડાંને ઠંડક અને બળ મળે છે. આંતરડાંનું યોગ્ય રીતે સંકોચન થવાથી પાચનકાર્ય તીવ્ર બને છે.
ઉનાળામાં ચોક્કસ પ્રકારનાં ધાસિયાં ગૂમડાં નીકળે છે. આ ગૂમડાંને દૂર કરવા માટે ગોટલીનો ઘસારો અને સોનાગેરુ મેળવીને લગાવવાથી બહુ જ ઝડપથી બેસી જાય છે અને ત્યાંની ચામડી સ્વચ્છ અને ડાઘરહિત બનાવે છે.
કોઈ પણ કારણસર કે વ્યાધિજન્ય સ્થિતિમાં અતિશય પરસેવો વળતો હોય ત્યારે ગોટલીનું ચૂર્ણ શરીરે ઘસવાથી પરસેવો આવતો અટકે છે. સાથે ચામડી સુંવાળી અને દોષરહિત બનાવે છે.
શરીરે દાહ-બળતરા થતાં હોય ત્યારે કેરીની ગોટલીનું ચૂર્ણ કરી અથવા એનો રસ કાઢી ગાળી પાતળું લેપન કરવાથી શાંતિ મળે છે. અતિશય ગરમીને કારણે વારંવાર નસકોરી ફૂટે છે અને નાકમાંથી રક્તસ્રાવ થાય છે. આ દર્દીને આંબાની ગોટલીનો રસ સૂંઘાડવાથી અથવા આનાં બે-બે ટીપાં નાકમાં નાખવાથી નાકમાંથી પડતું લોહી ચમત્કારની જેમ બંધ થઈ જાય છે. આ પ્રયોગ લાંબો વખત કરવાથી કાયમી રાહત મળે છે.
ભાવમિશ્ને કહ્યું છે કે આંબાની ગોટલી અને હરડેનો સમાન વજને ઘસારો કરી માથામાં લગાવવાથી માથાનો ખોડો દૂર થઈ જાય છે. એમાંય જ્ઞાનતંતુઓને ઠંડક અને પોષણ મળે છે.
આંબાની ગોટલીમાંથી એક વિશેષ પ્રકારનું તૈલી તત્ત્વ નીકળે છે. આ તેલ સંધિવાના દર્દીઓ જો સાંધાઓ ઉપર (માલિશ કરે) લગાડે તો તેમને રાહત મળે છે.
કાચી કેરીને ઘરે પકવવી હોય તો કોથળામાં ઘાસ મૂકી એકાદ-બે કાંદા એની સાથે મૂકીને પ્રકાશ ન પડે એ રીતે ઢાંકી દેવી.
પાકી ગયેલી કેરીને ગરમીમાં બહાર ન રાખવી,પણ ફ્રિજમાં ભીની ન થાય એ રીતે મૂકવી. કેરી જ્યારે વાપરવાની હોય એ પહેલાં ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળી રાખવી. એનાથી કેરીનો ઉષ્ણ ગુણ શમે છે.
ન્યુટ્રિશનની દ્રષ્ટિએ જોઈએ તો પાકી કેરીમાં ભરપૂર કેલ્શિયમ,ફૉસ્ફરસ અને વિટામિન્સ રહેલાં છે. પાકી કેરીમાં મુખ્યત્વે સિમ્પલ શુગરનું પ્રમાણ વધારે હોય છે એટલે કે પાકી કેરીમાં કેલરી વધારે હોય છે. કાચી કેરી કરતાં પાકી કેરીમાં વિટામિન સીનું પ્રમાણ લગભગ અડધું હોય છે.
પચવામાં ભારે હોવાથી કેરીનો રસ ખાવાની સાથે પૂરતી ફિઝિકલ એક્સરસાઈઝ કરવામાં ન આવે તો એનાથી શરીરમાં અનેક પ્રકારની તકલીફો પેદા થાય છે તેમ જ સુસ્તી વધે છે.
જે લોકોમાં લોહી અને તાકાતની કમી હોય છે તેમને કેરી ખાવાથી તાકાત આવે છે,પરંતુ ઓવરવેઇટ લોકો કેરી ખાઈને વધુ મેદસ્વી બને છે. શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે છે,જે લાંબા ગાળે શરીરમાં હાર્ટડિસીઝનાં મૂળિયાં નાખે છે. રસનું યોગ્ય પાચન ન થતાં કફ પેદા થાય છે. વળી આ કફ શરીરમાં સંગ્રહાઈ રહેતાં બીજી તકલીફો થાય છે. એના કારણે ઉનાળો પૂરો થતાં સુધીમાં શરીર પર અળાઈઓ, ખીલ અને ગૂમડાં થવાનું શરૂ થઈ જાય છે.