Home / Lifestyle / Health : Know the difference between heat exhaustion and heat stroke

Sahiyar : જાણો હીટ એક્ઝોશન અને હીટ સ્ટ્રોક વચ્ચેનો તફાવત

Sahiyar : જાણો હીટ એક્ઝોશન અને હીટ સ્ટ્રોક વચ્ચેનો તફાવત

ધોમધખતી ગરમી, દઝાડી દેતો તડકો માનવીઓથી લઈને પ્રાણીઓને પણ અકળાવી મૂકે છે. સૂર્યદેવનો પ્રકોપ વરસતો હોય ત્યારે ઘરથી બહાર નીકળવું મોટા પડકાર સમાન બની રહે છે.  કાળઝાળ ગરમીના સમયમાં આપણને ઘણી વખત હીટસ્ટ્રોક અને હીટ એક્ઝોશન જેવા શબ્દો સાંભળવા મળે છે.  પરંતુ મોટાભાગના લોકો હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન વચ્ચેનો તફાવત નથી જાણતા.  આ બંને સ્થિતિ બિલકુલ અલગ અલગ પ્રકારની  છે. વાસ્તવમાં આમાંની કોઈપણ સ્થિતિમાં બેદરકારી  કરવામાં આવે તો તે જીવલેણ થવાની ભીતિ રહે છે.  નિષ્ણાતો આ બેઉ સ્થિતિ વચ્ચેનો ભેદ સમજાવતાં કહે છે.....

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જ્યારે વધારે પડતી ગરમી લાગે, પરસેવે રેબઝેબ થઈ જવાય, નબળાઈ વરતાય ચક્કર આવે, ઊબકાં આવે કે પછી સ્નાયુઓ  ખેંચાય તે સ્થિતિ હીટ એક્ઝોશન કહેવાય છે.  સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તડકા- ગરમીમાં રહે કે ગરમીમાં વધારે કામ રે ત્યારે હીટ એક્ઝોશન થાય છે. જો તેનો સમયસર યોગ્ય ઈલાજ કરવામાં ન આવે  તો તે હીટ સ્ટ્રોકમાં  તબદીલ થઈ શકે છે. 

હીટ સ્ટ્રોક વધારે જોખમી હોય છે. તેમાં શરીરનું ઉષ્ણતામાન અતિશય વધી જાય છે. (૧૦૪ ડિગ્રી ફેરનહીટ કે તેનાથી પણ વધુ)  તેના સિવાય ત્વચા ગરમ થઈને સુકાઈ જાય, મૂંઝવણ- અવઢવ અનુભવાય, બેહોશ સુધ્ધાં થઈ જવાય.  હીટ સ્ટ્રોક મેડિકલ ઈમરજન્સી ગણાય છે.  હીટ સ્ટ્રોકમાં શરીરનું ઉષ્ણતામાન બહુ ઝડપથી વધી જાય છે.  તેના અન્ય લક્ષણોમાં પરસેવો થવાનું બંધ થઈ જાય છે અને શરીર પોતાની ઠંડક જાળવી નથી શકતું.  જો હીટ સ્ટ્રોકનો ઉપચાર તત્કાળ કરવામાં ન આવે તો મગજ, હૃદય, કિડની અને સ્નાયુઓને ગંભીર નુકસાન થઈ શકે છે. એટલે સુધી કે તેમાં જે તે વ્યક્તિ મોતના મુખમાં પણ ધકેલાઈ જઈ શકે.

તજજ્ઞાો કહે છે કે ગરમીની ઋતુમાં નાની અમસ્તી બેકાળજી પણ સ્વાસ્થ્યને ભારે હાનિ પહોંચાડી  શકે છે. પૂરતું આ પાણી ન પીવું, આકરા તડકામાં વધારે સમય સુધી રહેવું, ઘેરા રંગના ચુસ્ત વસ્ત્રો પહેરવા,વ્યાયામ ઈત્યાદિ કરતી વખતે સાવધાન ન રહેવું હીટ એક્ઝોશન તેમ જ હીટ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

આ સ્થિતિ શી રીતે ટાળી શકાય તેની સમજ આપતાં નિષ્ણાતો વધુમાં કહે છે....

ખૂબ પાણી પીઓ :  ડિહાઈડ્રેશનથી બચવા થોડી થોડી વારે પાણી પીતાં રહો.  ખાસ કરીને જ્યારે તમે ઘરની બહાર હો અથવા વ્યાયામ કરી રહ્યાંહો.

હળવા રંગના ખુલસાં વસ્ત્રો પહેરો : લાઈટ કલરના અને ખુલતાં વસ્ત્રો શરીરને ટાઢક પહોંચાડે છે.

તડકામાં બહાર ન જાઓ :  બપોરના ૧૨ થી ત્રણનાસમય દરમિયાન સૂર્ય માથા પર હોવાથી તડકો અત્યંત આકરો  હોય છે. બહેતર છે કે આ સમયે તડકામાં બહાર ન નીકળવામાં આવે.

વ્યાયામ -શારીરીક શ્રમ મર્યાદિત કરો : ગરમીની મોસમમાં શરીરને વધારે પડતો શ્રમ પડે એટલો વ્યાયામ કે કામ કરવાનું ટાળવું.

ચા-કોપી-મદ્યપાનથી દૂર રહેવું :  ચા-કોફી જેવા કેફિન ધરાવતાં પીણાં તેમ જ નશો ચડાવતું મદ્ય શરીરમાંથી પાણી ઓછું કરી નાખે છે.  ગરમીની ઋતુમાં આવા પદાર્થોનું સેવન ન કરવું.

-  વૈશાલી ઠક્કર

Related News

Icon