
- આ ભેદી ટ્રાયગેમિનલ ન્યુરાલ્જિયા રોગની સારવારરૂપ સર્જરી પૂણેમાં થાય છે
- આ રોગમાં કાનની નીચે જડબાં સુધી અને ઉપર કપાળ સુધી ફેલાયેલી નસ સંકોચાતા દર્દીને શારડી ફરતી હોય તેવી પીડા થાય છે
દુનિયામાં દરેક વ્યક્તિને કોઇને કોઇ શારીરિક પીડાનો અનુભવ થતો હોય છે. મોટાભાગે આ પીડાનું કારણ જાણી તેનો ઇલાજ કરી દર્દીને પીડામુક્ત કરવામાં આવે છે. પણ ઘણીવાર આવી પીડા શા કારણે થાય છે તે જાણી શકાતું નથી. વળી ઘણીવાર આ પીડા જ્યાં થતી હોય એ નસની કામગીરી એટલી સંકુલ હોય છે કે ક્યા કારણસર પીડા થાય છે તે સમજી જ શકાતું નથી. આવા કિસ્સાઓમાં નિદાન સમયસર ન થતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આજે મેડિસિન ક્ષેત્રમાં અને નિદાનશાસ્ત્રમાં અભૂતપૂર્વ પ્રગતિથઇ હોવા છતાં ઘણીવાર અમુક રોગો એવા પણ મળી આવે છે જ્યાં આ પ્રગતિ નગણ્ય પુરવાર થાય છે. આવો જ એક રોગ ભારતમાં ૫૦થી વધારે વયના લોકોને કનડે છે અને તેનું સમયસર નિદાન ન થતું હોઇ દર્દીઓને વર્ષો સુધી પીડા સહન કરવાનો વારો આવે છે. આ રોગનું નામ મેડિકલ પરિભાષામાં ટ્રાયગેમિનલ ન્યુરાલ્જિયા છે. આ રોગમાં એટલી બધી પીડા થતી હોય છે કે દર્દી પીડા સહન ન થવાથી આત્મહત્યા કરવા પ્રેરાય છે. જેને કારણે બોલચાલની ભાષામાં તેને આત્મહત્યા પ્રેરક રોગ એટલે કે સુસાઇડ ડિસિઝ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી યોગ્ય ડોક્ટર સુધી દર્દી ન પહોંચે ત્યાં સુધી દર્દીને અઠેગઠે મળે તે સારવાર દ્વારા ચલાવવું પડે છે. જેમાં તેને આર્થિક અને શારીરિક એમ બંને રીતે ઘસાવાનો વારો આવે છે. હવે એક ડોક્ટરના પ્રયાસોને કારણે પૂણેમાં આ રોગની સારવાર તરીકે સર્જરી થવા માંડી છે જેને કારણે અનેક લોકોને રાહત મળી છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં ગવર્નમેન્ટ કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે કામ કરતાં બાવન વર્ષના દિનેશ મિશ્રા એક દિવસ શાવર લીધા બાદ ટુવાલ વડે તેમના કપાળને લૂછી રહ્યા હતા ત્યારે જે તેમને ચહેરાની જમણી તરફ અચાનક જબરદસ્ત પીડા થવા માંડી. એક ઘડી તો તેમને લાગ્યું કે તેમને પેરેલિસિસ થઇ ગયો છે પણ કશું સમજાય તે પહેલાં તો આ દુખાવો શાંત થઇ ગયો. પણ બીજી સવારે ફરી પીડા શરૂ થઇ ગઇ. એ પછી તો વારંવાર આ દુખાવો થવા માંડયો. તેંમની પીડા એ હદે વધી ગઇ હતી કે તેમના કપાળ પર પાણીનું ટીપું પડે તો પણ તેમને દુખાવો શરૂ થઇ જતો. ડોકટરે તેમને વાઇમાં અપાતી દવા લખી આપી, પણ તેનાથી દુખાવામાં થોડી રાહત થઇ પણ તે મટયો નહીં. તેમની દવાનો ડોઝ વધતો ગયો તેમ તેની આડઅસર પણ વધતી ચાલી.
મિશ્રાએ એક પછી એક એમ અનેક ડોકટરો પાસે તપાસ કરાવી. કોઇ ડોક્ટરે કશું ન કરવાની સલાહ આપી દુખાવો એમનેમ જ જતો રહેશે તેમ જણાવ્યું. હોમિયોપથીના ડોક્ટરે એક ગોળી લખી આપી. તે લીધી અને પખવાડિયામાં દુખાવો મટી ગયો. આ રાહત બાવીસ મહિના રહી પણ ફરી એક ડિસેમ્બરની સવારે તેઓ બ્રશ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ફરી આ બિમારી વીજળીની જેમ ત્રાટકી. આ વખતે દુખાવો એટલો ભયંકર હતો કે મિશ્રા જાતે ત્રણ દિવસ સુધી પોતાના ચહેરાને અડી ન શક્યા. એ પછી દિવસમાં રોજ આઠથી દસ વાર દુખાવો થવા માંડયો. જેવો આ દુખાવો શરૂ થાય કે મિશ્રા કડક બની જાય અને ચૂપચાપ પીડા સહે. આખરે મિશ્રાને પૂણેમાં એમવીડી સર્જરી દ્વારા આ દર્દમાંથી છુટકારો મળતો હોવાની જાણ થઇ. તેમણે ૨૦૨૦માં સર્જરી કરાવી અને હવે તેમને કોઇ પ્રકારની પીડાશામક દવાઓ પણ લેવી પડતી નથી. મિશ્રા કહે છે હવે મને રાહત થઇ છે. પણ મારા અગાઉના વર્ષો તો દુસ્વપ્ન સમાન બની રહ્યા હતા.
આવો જ બીજો કિસ્સો મૈસુરની નંદિતાનો છે. ૨૦૨૧માં તેને ટ્રાયગેમિનલ ન્યુરાલ્જિયાની બિમારી હોવાનું નિદાન થયું તે પહેલાં તેણે સાત વર્ષ વિવિધ ડોક્ટરોની સારવાર લીધી હતી.નંદિતા કહે છે, શરૂઆતમાં તો જડબાંની ડાબી તરફ થોડી સેકન્ડો માટે દુખાવો થતો હતો અને પછી તેમાં સતત વધારો થતો ગયો. મેં પહેલાં તો કેવિટી હાવાથી મેં ડેન્ટિસ્ટ પાસે જઇ દવા લીધી પણ તેનાથી કશો ફરક ન પડયો. પછી તો આ પીડા કાયમી બની ગઇ. નંદિતાએ લગ્ન કરતી વખતે પણ તેની આ સ્થિતિની જાણ પતિ હિમાંશુને કરી પણ તેને લગ્ન બાદ જ તેની પીડાનો સાચો ખ્યાલ આવ્યો. હિમાંશુ કહે છે, જીવનમાં અચાનક વળાંક આવી ગયો. મેં કદી આ વિશે કશું સાંભળ્યું નહોતું. પીડાને કારણે તેનો મૂડ ઉખડેલો રહેતો અને તે કદી બહાર આવવા તૈયાર ન થતી. તેને કારણે અમારાં સંબંધોમાં પણ નકારાત્મકતા પ્રવેશી.
નંદિતાની હાલત એવી હતી કે તે એર કંડિશનિંગ સહન કરી શકતી નહોતી અને કારમાં બારી પાસે બેઠી હોય તો પવન તેના ચહેરાને અડે તો પણ તેનાથી સહન થતું નહોતું. ડેન્ટિસ્ટ પાસે અનેકવાર ગયા બાદ આખરે ખુલાસો થયો કે તેને દાંતની સમસ્યાને કારણે આ દુખાવો થતો નથી. એ પછી ન્યુરોલોજિસ્ટ પાસે ગયા તો તેણે વાઇના ઇલાજમાં વપરાતી દવાની ટેબલેટ આપવાની શરૂઆત કરી. ૧૦૦ એમજીની ગોળીથી થયેલી શરૂઆત બાદમાં દિવસમાં ત્રણવાર ત્રણવાર એટલે કે કુલ ૯૦૦ એમજીની ટેબલેટ પેટમાં જવા માંડી. પણ નંદિતાની પીડા એટલી હદે વકરી હતી કે એક હદ બાદ દવા પણ નકામી બની જતી હતી. એ પછી નંદિતાએ વીજળીના હળવાં આંચકા અને યોગાસનો પણ અજમાવ્યા પણ કશું કારગર ન નીવડયું. તેને આ પીડાને કારણે નોકરી પણ ગુમાવવી પડી.
અમારા સંબંધોમાં કડવાશ પ્રસરવા માંડી તેમ હિમાંશુએ જણાવ્યું. આખરે નંદિતાએ પૂણેમાં એમવીડી સર્જરી કરાવી અને તેને પીડામાંથી છુટકારો થયો. હિમાંશુના આશ્ચર્ય વચ્ચે તે હવે ખુશખુશાલ રહે છે, જાણે કે તે એક નવી જ વ્યક્તિ ન હોય. અગાઉ જ્યારે ટ્રાયગેમિનલ ન્યુરાલ્જિયાની પીડા ત્રાટકતી ત્યારે ચૂપ થઇ જતી નંદિતા હવે વાતો કરતાં થાકતી નથી. હિમાંશું કહે છે, નવી નંદિતા સાથે ગોઠવાતાં પણ મને ત્રણ મહિના લાગ્યા હતા. પોતે માઇક્રોવાસ્ક્યુલર ડિકોમ્પ્રેશન- એમવીડી- સર્જરીના ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા તેની વાત કરતાં પૂણેના ડોક્ટર જયદેવ પંચવાઘ કહે છે, આ બધાંની શરૂઆત ૨૦૦૪માં થઇ. એ વખતે આઇઆઇટીમાં એન્જિનિયરિંગનું ભણતો એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો. તે તેના હાથમાં જંતુનાશક દવાની બાટલી લઇને આવ્યો હતો.
તેણે મને ફિલ્મી સ્ટાઇલમાં જંતુનાશકની બોટલ મારા ટેબલ પર મુકી મને ધમકી આપી કે જો મારો ઇલાજ નહીં થાય તો હું આ પી જઇને મરી જવાનું પસંદ કરીશ. તેણે અઠવાડિયાથી કશું ખાધું પીધું નહોતું. તેણ જડબાં પર પીડા થવાના ભયે દિવસોથી દાઢી પણ કરી નહોતી. તેણે પીડાને ભૂલવા માટે દારૂ પીવાનો શરૂ કરી દીધો હતો. પણ તેમાં તે દારૂડિયો બની રહ્યો હતો. આ ઘટના બાદ ડો. પંચવાઘે ફૂલટાઇમ એમવીડી સર્જરી કરવાનો નિર્ણય લીધો. ન્યુરોસર્જ્યન ડો. જયદેવ પંચવાઘ કહે છે, હું જોઇ શકતો હતો કે પીડાને કારણે દર્દીઓ આત્મહત્યા કરવા પણ તૈયાર હતા. મારા મતે સમસ્યા એ હતી કે મોટાભાગના દર્દીઓ એમ માનતાં હતા કે આ દુ:ખનો કોઇ ઇલાજ નથી. તેમને કલ્પના પણ નહોતી કે સર્જરી દ્વારા તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. એમવીડી સર્જરી બાબતે ડોક્ટરોમાં પણ જાણકારીનો અભાવ હોઇ તેઓ દર્દીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકતાં નહોતાં. આમ, મને લાગ્યું કે આ કામ ફુલટાઇમ કરવાથી મોટો ફરક પડી શકશે.
ડોક્ટર જયદેવ પંચવાઘની પત્ની એનેસ્થેલોજિસ્ટ અને પેરીઓપરેટિવ ફિઝિશ્યન છે. ડોક્ટર પંચવાઘના જણાવ્યા અનુસાર મોટાભાગના દર્દીઓનું નિદાન બરાબર થયું નહોતું. ઘણાંએ માનસશાસ્ત્રીઓની સલાહ લીધી હતી તો ઘણાંએ ડેન્ટિસ્ટ પાસે જઇ બિનજરૂરી રૂટ કેનાલ પણ કરાવી હતી. ડોક્ટર પંચવાઘ આ બિમારી અંગે જાગરૂકતા ફેલાવવા માટે યુટયુબ ચેનલ પણ ચલાવે છે જેના પર તેઓ તેમણે રેકોર્ડ કરેલી સર્જરીઓ પણ મુકે છે. ડો. પંચવાઘે તેમના પૂણેમાં આવેલાં ટુબીએચકેના ક્લિનીકમાંથી અત્યાર સુધીમાં આવી ૮૦૦ જેટલી સર્જરીઓ કરી દર્દીઓને પીડામુક્ત કર્યા છે.
દુનિયામાં વીસ હજાર માણસે એકને આ ટ્રાયગેમિનલ ન્યુરાલ્જિયા નામની બિમારી કનડે છે. અને તેનું પ્રમાણ મહિલાઓમાં પુરૂષોની સરખામણીએ બમણું હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા ૫૦ વર્ષ પછી વધારે જોવા મળે છે પણ અમુક યુવાનો પણ તેનો ભોગ બનતાં હોવાનું જણાયું છે. દુનિયામાં જાતજાતના રોગ છે તો તેનો ઇલાજ પણ મોજૂદ છે પણ સવાલ તે ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો છે.
- વિનોદ પટેલ