Home / Lifestyle / Health : The body keeps giving signals that something is wrong

Sahiyar : શરીર કંઈક ખોટું થયાના સંકેત આપતું રહે છે

Sahiyar : શરીર કંઈક ખોટું થયાના સંકેત આપતું રહે છે

માનવ શરીર તાલમેલમાં કામ કરતી સુક્ષ્મ સીસ્ટમોનો એક ચમત્કાર છે. છતાં જ્યારે કોઈ બાબત આ સંતુલન બગાડે છે ત્યારે શરીર અંતર્ગત સમસ્યા સૂચવવા માટે આપણને ઘણીવાર અણધારી રીતે કેટલાક સંકેતો આપે છે. આ સંકેતો શરીરમાં અનેક ઠેકાણે ખંજવાળ, લાલા ચાઠા અથવા અચાનક હાથ ધૂ્જવા જેવા શારીરિક ફેરફારોથી લઈને મૂડમાં પરિવર્તન અથવા તણાવ જેવા ભાવનાત્મક સંકેતો હોઈ શકે છે. આ લક્ષણો પ્રત્યે ધ્યાન આપવાથી સંભવિત આરોગ્ય સમસ્યાઓ વધુ વકરે તે પહેલા તેનો ઈલાજ થઈ શકે છે. તો અહીં આપણે સંકટનો નિર્દેશ આપવા શરીર જે સંકેતો આપે છે તેવી ચેતવણીની વિવિધ નિશાનીઓ સમજવાનો પ્રયાસ કરીએ જેથી શરીર શું કહેવા માંગે છે અને ક્યારે તબીબી સલાહ લેવી તે કળી શકાય.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અનેક ઠેકાણે ખંજવાળ અને સોજા

મોટા ભાગની ત્વચાની એલર્જી સ્પર્શના સ્થાને મર્યાદિત હોય છે દાખલા તરીકે કાનની બૂંટી. પણ જો શરીરના અનેક ભાગોમાં ખંજવાળ અને સોજા આવે ત્યારે કોઈ અંતરંગ સમસ્યાનો સંકેત છે અને તેની સારવાર માટે માત્ર ડોક્ટરની જ સલાહ લેવી.

રાત્રે જોરથી નસકોરા બોલાવવા

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો સામાન્યપણે સ્લીપ એપનિયા નામની સ્થિતિથી પીડાતા હોય છે, જેમાં ઊંઘ દરમ્યાન તેમનો શ્વસનમાર્ગ તેમની જીભ ગળામાં પાછળ પડી હોય અથવા તેમના શ્વસનમાર્ગમાં કોઈ મૂળભૂત સમસ્યા હોવાથી અવરોધિત થાય છે. આવા કિસ્સામાં ઊંધા સુવાનો પ્રયાસ કરવો કારણ કે તેનાથી શ્વસનમાર્ગ ખુલ્લો થઈ શકે છે. આમ છતાં સમસ્યા યથાવત રહે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

ભૂખ ન લાગવી

ભૂખ ન લાગવી એ મોટાભાગની બીમારીની વિશિષ્ટ નિશાની છે. આવું લક્ષણ અઠવાડિયાઓ સુધી રહે તો તે ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. આવા લક્ષણ દેખાય તો વધુ રાહ જોયા વિના ડોક્ટરની સલાહ લેવી.

મૂડમાં અચાનક ફેરફાર અથવા ગુસ્સો આવવો

મહિલાઓ સામાન્યપણે તેમના માસિક સમય દરમ્યાન મૂડમાં ફેરફારથી પીડાતી હોય છે. પણ આવા લક્ષણો કોઈપણ કારણ વિના જોવા મળે તો શરીરની સીસ્ટમમાં કંઈક ખોટું થયાની નિશાની હોઈ શકે. હકીકતમાં ફિઓક્રોમોસાયટોમા (એડ્રિનલ ગ્રંથીઓમાં ગાંઠો) હોય તેમના લોહીમાં એડ્રેનાલિનનું સતત ઊંચું સ્તર હોય છે, જે હૃદયના ધબકારા, આક્રમકતા અને અન્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.

હાથની કંપારી, વિચિત્ર સ્વપ્નો અને માંસપેશીઓની અનૈચ્છિક હલનચલન

આ તમામ નિશાનીઓ પાર્કિન્સન બીમારીની છે. આથી જો હાથમાં કંપારી આવતી હોય અથવા ગરદન અને શરીરના અન્ય ભાગ આપમેળે સમયસમય પર વળી જતા હોય ત્યારે તાત્કાલિક ન્યુરોલોજિસ્ટની મુલાકાત લેવી અને તમામ ચકાસણી કરાવી લેવી.

રાત્રે ઊંઘમા દાંત કચકચાવા

રાત્રે ઊંઘમાં અભાનપણે દાંત કચકચાવાની જાણ સામાન્યપણે ત્યારે થાય છે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તેના પ્રત્યે ધ્યાન દોરે અથવા આવી વ્યક્તિના પાછલા દાંત અત્યંત સંવેદનશીલ હોય. આવી સ્થિતિ તણાવ દ્વારા સર્જાય છે અને દર્દીના જીવનમાંથી એકવાર તણાવનું કારણ દૂર થઈ જાય ત્યારે આવી સ્થિતિથી છૂટકારો મળે છે. પણ કેટલીક વાર, તણાવ ન હોય ત્યારે પણ જડબાને આ હલનચલનની આદત પડી જાય છે. એવા સમયે આ સમસ્યાથી છૂટકારો મેળવવા આદત છોડાવનારા સાધનોની જરૂર પડે છે.

મૂત્રાશય અને મલત્યાગમાં ગરબડ

લઘુશંકા અથવા મળત્યાગ માટે અચાનક વારંવાર જવું પડે ત્યારે અવશ્ય તે ચિંતાનું કારણ છે. હકીકતમાં લઘુશંકાની વધેલી પ્રવૃત્તિ ચોક્કસપણે ડાયાબીટીસ અથવા પ્રોસ્ટેટની સમસ્યાની નિશાની હોઈ શકે છે.

શરીરના પ્રવાહીમાં રક્તની હાજરી

કફ, મૂત્ર, નિપલ સ્રાવ અથવા મળમાં લોહી દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો કારણ કે શરીરના પ્રવાહીઓમાં લોહીની હાજરી અસાધારણ બાબત છે અને તે શરીરમાં પાંગરી રહેલી કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

આંખ, ત્વચા અને જીભ પર પીળાશ

આંખના સફેદ હિસ્સામાં, જીભ, ત્વચા અને હથેળીમાં પીળાશ લિવરના નુકસાનની વિશિષ્ટ નિશાની છે. આવી નિશાની દેખાતા સમસ્યા વધુ ગંભીર બને તે પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો.

ભોજન પછી પેટના એસિડનું નિયમિતપણે બહાર આવવું

ભોજન પછી નિયમિતપણે પેટમાંથી એસિડ બહાર આવતું હોય અથવા ગળામાં બળતરા થતા હોય તેવી સમસ્યાને ગેસ્ટ્રોઈસોફીગલ રિફ્લક્સ કહેવાય છે. તેના માટે મુખ્યત્વે મસાલેદાર અને તળેલો ખોરાક જવાબદાર હોય છે, પણ ક્યારેક સમસ્યા વધુ ગંભીર પણ હોઈ શકે છે. આથી આવુ લક્ષણ લાંબો સમય ચાલે તો ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે ચેક-અપ કરાવી લેવું.

ભાવનાત્મક અને માનસિક સંકેતો

શારીરિક સંકેતો ઉપરાંત શરીર ભાવનાત્મક અને માનસિક ફેરફારો દ્વારા પણ નિશાનીઓ આપે છે. અચાનક મૂડમાં ફેરફાર થવો, તણાવમાં વધારો થવો, ચિડિયાપણું, એકાગ્રતામાં મુશ્કેલી થવા ઊંઘની પેટર્નમાં ફેરફાર થવો તણાવ અથવા ભાવનાત્મક પીડા અથવા માનસિક સ્વાસ્થ્યમાં ગડબડની નિશાની હોઈ શકે છે. આવા ભાવનાત્મક પરિવર્તનો પ્રત્યે ધ્યાન આપવાથી વહેલી તકે એકંદર સુખાકારી માટે પગલા લઈ શકાય છે.

- ઉમેશ ઠક્કર

Related News

Icon