
મહિલાઓમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન (યુટીઆઈ),એટલે કે મૂત્રનલિકા,મૂત્રવાહિનીઓમાં ચેપ લાગવાની સમસ્યા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જો કોઈ સ્ત્રીને પેશાબ કરતી વખતે બળતરા થાય કે પછી તે પોતાના પેશાબને રોકી ન શકે ત્યારે સમજી જવું કે તેને યુટીઆઈ થયું છે. આ સમસ્યા ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાને કારણે પેદા થાય છે. વાસ્તવમાં આ બેક્ટેરિયા જે તે વ્યક્તિના આંતરડાંમાં પેદા થાય છે. પરંતુ જો તે કોઈપણ રીતે મૂત્રનલિકા, મૂત્રવાહિનીઓમાં પહોંચી જાય તો તેને ચેપ લાગવાની સંભાવના રહે છે.
સામાન્ય રીતે યુટીઆઈની સારવાર વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક્સથી કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત સંબંધિત બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ કરતાં સવાયા પુરવાર થાય છે. અને જ્યારે આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સને દાદ ન આપે ત્યારે દરદી હેરાન-પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં કરવું શું?
આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે જ્યારે યુરિનરી ટ્રેકમાં ચેપ પેદા કરતાં બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સને પહોંચી વળે ત્યારે પ્રાકૃતિક ઈલાજ કારગર નિવડે. અને આપણે જ્યારે પ્રાકૃતિક સારવારનો વિકલ્પ અપનાવવાનો વિચાર કરીએ ત્યારે તેમાં આખા ધાણાનો સમાવેશ અચૂક કરી શકાય. આયુર્વેદ અનુસાર આખા ધાણામાં રહેલા દાહ-બળતરા વિરોધી ગુણો પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત આપે છે. વળી તેમાં રહેલા ફાયટોકેમિકલો યુટીઆઈ રોકવામાં મદદ કરે છે. યુટીઆઈની સારવાર માટે આખા ધાણાનો ઉપયોગ શી રીતે કરી શકાય તેની જાણકારી આપતાં તજજ્ઞાો કહે છે..,
આખા ધાણાની ચા :
ત્રણ ટેબલસ્પૂન જેટલા આખા ધાણા લઈને તેને અધકચરા કૂટી લો. હવે તેમાં ત્રણ કપ પાણી નાખીને તેને ઉકાળો. ત્યાર પછી તે ઢાંકીને બે કલાક રહેવા દો. બે કલાક બાદ તે ગાળીને પી લો. ધાણા નાખીને ઉકાળેલા પાણીને જ કોરિએન્ડર ટી,એટલે કે આખા ધાણાની ચા કહેવામાં આવે છે.
ધાણાનું જ્યુસ :
ત્રણ ટેબલસ્પૂન દળેલા ધાણાને ત્રણ કપ પાણીમાં નાખો. તેમાં એક ટેબલસ્પૂન ખડી સાકર ઉમેરો. આ મિશ્રણ રાતભર રહેવા દો. સવારના આ પાણી સારી રીતે હલાવીને પી જાઓ. અઠવાડિયામાં ત્રણેક વખત આ પ્રયોગ કરો.
ધાણા અને અજમાનું જ્યુસ :
ત્રણ ટેબલસ્પૂન આખા ધાણામાં એક ટેબલસ્પૂન અજમો અને બે કપ પાણી નાખો. તેમાં થોડું આદુ ઉમેરીને બ્લેન્ડરમાં નાંખો. હવે તેને સારી રીતે બ્લેન્ડ કરીને ગાળી લો. ત્યાર પછી આ જ્યુસ ધીમે ધીમે પીઓ.
યુટીઆઈ થવાના કારણો:
* મળ-મૂત્ર ત્યાગ પછી યોગ્ય સ્વચ્છતા જાળવવાનો અભાવ.
* બાળકોને વ્યવસ્થિત રીતે ડાયપર ન પહેરાવવા.
* ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ.
* અસુરક્ષિત સંભોગની ટેવ તેમ જ સહચર્ચ પછી પેશાબ ન કરવું.
* લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો.
- વૈશાલી ઠક્કર