
ઘણાં લોકો સ્વસ્થ રહેવા સવારે લિંબુના રસમાં મધ ભેળવીને પીએ છે. જ્યારે કેટલાંક સવારે ઉઠતાવેંત ગ્રીન ટીની ચુસકીઓ લે છે. પરંતુ તમે ક્યારેય સવારે ભૂખ્યા પેટે લસણ ખાવા વિશે વિચાર્યું છે? એ હેલ્થ (સ્વાસ્થ્ય) માટે ખરેખર સારું છે. ભૂખ્યા પેટે કાચુ લસણ ખાવાના ઘણાં લાભ છે અને એ વિશે અહીં આપણે ચર્ચા કરીશું.
ગાર્લિક (લસણ)ને ઘણાં કારણોસર આયુર્વેદમાં ચમત્કારી ગણાવાયું છે. એટલા માટે કે એમાં ઘણાં ઔષધિય ગુણો છે અને આપણે સવારના ભૂખ્યા પેટે લસણની કળી ગળીને એના મોટાભાગના હેલ્થ બેનિફિટ્સ વધુ સારી રીતે લઈ શકીએ છીએ. સૌથી પહેલી વાત તો એ કે ગાર્લિક નેચરલ એન્ટીબાયોટિક છે. એનામાં ઘણી જાતના ઇન્ફેક્શન્સ મટાડવાની ક્ષમતા છે અને આપણાં દેહને સાજોનરવો રાખી સ્વાસ્થ્યની ઘણી નાની-નાની તકલીફોને દૂર રાખી શકે છે. એટલે સવારે ચા કે કૉફીથી દિવસ શરૂ કરવાને બદલે પહેલા કાચુ લસણ ખાવાની ટેવ પાડો. જો કે આ ઉપરાંચ અજમાવ્યા પહેલા ડૉક્ટરની સલાહ લેવી વધુ સારી કારણ કે અમુક લોકોને ભૂખ્યા પેટે લસણ ખાધા બાદ પેટમાં દુખે છે.
૧. પેટ ચોખ્ખુખુચણાંક રાખે : ગાર્લિકમાં પેટમાં જમા થયેલા ટોક્સિન્સ (કીટાણુજન્ય ઝેર) અને હાનિકારક બેક્ટીરિયાને બહાર કાઢવાની શક્તિ છે. ખાસ કરીને સવારે ભૂખ્યા પેટે લસણ ખાવાથી આ લાભ મળે છે.
૨. પાચનતંત્રનું મદદગાર : ગાર્લિક પેટની અમુક તકલીફો સહેલાઈથી મટાડી શકે છે. એ આપણાં પાચનતંત્ર માટે બહુ સારું છે. એ પાચનમાં મદદરૂપ થતા પ્રોટિન્સને ઉધીપ્ત કરી પાચનક્રિયાને આસાન બનાવવામાં મદદરૂપ થાય છે અને એને કારણે પેટ ફુલતું નથી, ભારેભારે નથી લાગતું.
૩. લોહી સુધારે : રોજ સવારે એક કળી કાચુ લસણ ખાવાનો નિયમ બનાવી આપણે શરીરમાં બેડ કોલેસ્ટેરોલનું લેવલ ઘટાડી શકીએ છીએ. એને પગલે હૃદયની ધમનીઓના રોગ થવાનું જોખમ ઓછું રહે છે.
૪. ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે : હા, એ હકીકત છે કે લસણ આપણાં રોગપ્રતિકારક તંત્ર (ઇમ્યુનિટી સિસ્ટમ) માટે પણ લાભદાયી છે. જો તમે મોઢામાંથી વાસ આવશે એવી પરવા કર્યા વિના લસણનું સેવન કરો તો તમારો દેહ વધુ ક્ષમતા સાથે બીમારીઓને લડત આપી શકશે. લોહીમાં સફેદ રક્ત કણનું ઉત્પાદન વધારી એ આપણી સંરક્ષણ શક્તિને વધુ મજબુત બનાવવાનું કામ કરે છે.
૫. બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે : જેમને બ્લડ પ્રેશર (બીપી)નો પ્રોબ્લેમ હોય તેઓ ગાર્લિકને એક ઉપાય તરીકે અજમાવી શકે છે. એનાથી બીપી કન્ટ્રોલમાં રહે છે. લસણનું નિયમિત સેવન કરીને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું કરી શકાય.
૬. હાયપરટેન્શમાં ફાયદાકારક : અનુભવી ડોક્ટરો પણ માને છે કે હાયપરટેન્શનથી પીડાતા લોકો માટે ગાર્લિકનું સેવન સારું છે. એનાથી બ્લડ સરક્યુલેશન પણ વધતુ હોવાથી એ હાર્ટ માટે પણ સારું ગણાય. એ ઉપરાંત લસણ હૃદય અને નસોને એકંદરે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. લોહીનું સરક્યુલેશન સુધરવાથી શરીરના અંગોને ઓક્સિજનનો પુરતો પુરવઠો મળી રહે છે.
૭. લિવરને લાભ : કોઈને પણ એ જાણીને નવાઈ લાગે કે કાચુ લસણ ખાવાથી આપણા મૂત્રાશય અને લિવરની કામગિરીમાં પણ સુધારો થાય છે. એ ટોક્સિન્સ (વિવિધ પ્રકારના વિષ)ને શરીરમાંથી બહાર કાઢવામાં લિવરને મદદરૂપ થાય છે અને એને કારણે ચયાપચયની પ્રક્રિયાઓ સુધરે છે.
દેહને ડિટોક્સ કરે : આપણા બૉડીને ડિટોક્સ (વિષમુક્ત) કરવામાં જે ખાદ્ય પદાર્થો મદદરૂપ થાય એમાં ગાર્લિક સૌથી ટોચ પર છે. એ આપણાં દેહને ટોક્સિસન્સથી મુક્ત કરતું હોવાથી હેલ્થ એક્સપર્ટસ એને સુપરફુડ પણ ગણાવે છે. ટોક્સિન્સનું ઉત્સર્જન કરી લસણ આપણી ત્વચાને વધુ ચોખ્ખી બનાવવામાં શરીરની એકંદર ઉર્જા પણ વધારે છે.
-રમેશ દવે