
રાજકોટમાં 8 વર્ષ બાદ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાના મહાપરિષદમાં દેશના તજજ્ઞા તબીબોએ જણાવ્યું કે હવાનું પ્રદુષણ હૃદયરોગ અને ફેફસાંના રોગોનું પ્રમાણ વધારે છે અને તેનાથી બચવા માટે દરેક તબીબોએ નિયમિત શ્રમ, વ્યાયામ ઉપર ભાર મુક્યો હતો.
જ્યારે પદ્મભુષણ કાર્ડિયોલોજીસ્ટ ડો.તેજસ પટેલે કહ્યુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સુરત ફૂડ કેપીટલ બની ગયા છે, લોકો તળેલુ, મીઠાઈ વધુ પડતુ મોજથી ખાય છે અને સાથે કસરતનો અભાવ છે તે કારણે હૃદયરોગનું જોખમ વધ્યું છે. જો કે, નાની ઉંમરે યુવાનોમાં અચાનક હાર્ટએટેકના દરેક કેસમાં પોસ્ટમોર્ટમ થાય તો સાચુ તબીબી કારણ જાણી શકાય છે. આઈ.એમ.એ.ગુજરાતના પ્રમુખ ડો.કાકડીયાએ પણ ખાસ કરીને યુવાનોમાં અચાનક હાર્ટ એટેક ,કાર્ડિયાક એરેસ્ટના દરેક કેસમાં ઓટોપ્સી કરવા પર ભાર મુક્યો હતો.
લોકોએ ડોક્ટર પાસે સારવાર માટે દોડી જવું ન પડે એટલે કે બિમાર જ ન પડે તે માટે તજજ્ઞા તબીબોએ આપેલી જનઉપયોગી માહિતી આજે આઈ.એમ.એ.દ્વારા જારી કરાઈ હતી. જેમાં મુંબઈના કાર્ડિયોલોજીસ્ટ ડો.સત્યવાન શર્માએ કહ્યું હવામાં પ્રદુષણના કારણે ભારતમાં હૃદયરોગ સાથે બી.પી.,ડાયાબીટીસના કેસો વધ્યા છે. પહેલાના સમયમાં શારિરીક શ્રમ જીવવનો ભાગ હતો, શાળા-કોલેજથી ધંધાના સ્થળે લોકો ચાલીને જતા, સાંજે મંદિરે,તળાવે ચાલીને જતા અને હવે આ બંધ થયું તે સાથે હૃદયરોગ વધ્યા છે.
પદ્મશ્રી ડો.રણદીપ ગુલેરીયાએ કહ્યું વધતા વાહનો, હવામાં પ્રદુષણ સાથે વ્યસનથી ફેફસાંના રોગો વધી રહ્યા છે, ફેફસાં મજબૂત કરવા લોકોએ નિયમિત ચાલવું, સ્વીમીંગ જેવી કસરત કરવી જોઈએ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ. કાર્ડિયાક સર્જન ડો.અનિલ જૈને લોકોને રોગથી બચવા રોજ 45થી 60 મિનિટની કસરત સાથે પૌષ્ટિક ખોરાક અને સારી ઉંઘ ઉપર ભાર મુક્યો હતો.