Home / Lifestyle / Recipes : Dawat: Hot dishes in the wet season

Sahiyar : દાવત : ભીની ભીની મોસમમાં ગરમાગરમ વાનગીઓ

Sahiyar : દાવત : ભીની ભીની મોસમમાં ગરમાગરમ વાનગીઓ

મેંદો અને ચોખાના પૂડા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામગ્રી :૧ કપ ચોખા વાટેલા, ૧ કપ મેંદો, ૩/૪ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ સમારેલી ડુંગળી, ૧ કેપ્સિકમ, તળવા માટે ઘી કે તેલ.

રીત : ચોખા, મેંદો, મીઠું અને લાલ મરચું મિક્સરમાં નાખો અને પાણી નાખીને મિક્સર ચલાવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ૧-૨ ચમચા મિશ્રણ નોનસ્ટિક પેન પર નાખો અને પાથરો.  સમારેલી ડુંગળી અને કેપ્સિકમ તેની પર પાથરો અને પછી બંને બાજુથી ઉલટાવીને પૂડા શેકો. ચટણી કે સોસની સાથે સર્વ કરો.

નૂડલ્સ પૂડા

સામગ્રી :  ૧ કપ બાફેલા નૂડલ્સ, ૧ ૧/૨ કપ મેંદો, ૧ ચમચી મીઠું, ૩/૪ ચમચી કાળાં મરી વાટેલાં, ૨ ક્યુબ્સ ચીઝ, ૧ ઈંડુ, તળવા માટે તેલ, દૂધ આવશ્યક અનુસાર લાલ સૂકાં મરચાં.

રીત : મિક્સર  જારમાં મેંદો, મીઠું અને કાળાં મરી નાખો. દૂધ, ઈંડા નાખીને મિક્સર ચલાવી મિશ્રણ તૈયાર કરો. ગરમ નોનસ્ટિક પેનને તેલ મૂકી ચીકણું કરો. થોડા નૂડલ્સ રાખો. ૧ ચમચો મિશ્રણ નાખીને પાથરો. ચીઝ ક્યુબ્સ છીણી લો અને સૂકાં લાલ મરચાંને  સમારો. બંને બાજુથી પૂડાને  ઉલટાવીને નૂડલ્સ પૂડો તૈયાર કરો અને ભીંજાયેલી મોસમમાં સોસ, ચટણી અને ગરમ ચાની સાથે સર્વ કરો. 

મમરા ચટપટા

સામગ્રી : ૧/૨ વાટકી વટાણા, ૨ બાફેલા બટાકાં, ૧ ટામેટું સમારેલું, ૩-૪ લીલાં મરચાં, ૨ વાટકી મમરા, ૧/૪ કપ સમારેલી કોથમીર, ૧ મીઠા લીમડાની ઝૂડી, ૩-૪ સૂકાં લાલ મરચાં, ૧ ચમચી મીઠું, ૧/૨  ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ચાટ મસાલો, ચપટી હળદર, કાપેલું નાળિયેર, ૧ ચમચો  તેલ.

રીત :  ૧/૨ ચમચો તેલ કડાઈમાં ગરમ કરો અને મમરા નાખી હલાવો. મમરા બહાર કાઢી ફરીવાર કડાઈ ગરમ કરો. વધેલું તેલ ગરમ કરો. લાલ મરચાં અને મીઠા લીમડાના પાન નાખી શકો. વટાણા, ટામેટા, મીઠું, મસાલા નાખી પાણીના છાંટા સાથે વટાણા પોચાં કરો. બાફેલા બટાકાની સાથે તેને હલાવતાં રહો. લીલાં મરચાં, કોથમીર, મમરા અને કાપેલું નાળિયેર નાખી મિક્સ કરો. ગરમ ગરમ નાસ્તો, કોથમીર ચટણી સાથે સર્વ કરો. વરસાદનો આનંદ માણો ચા અને નાસ્તો સાથે.

કેપ્સિકમ પકોડા

સામગ્રી :૪-૫ કેપ્કિસકમ મરચાં, ૧ કપ સમારેલી ડુંગળી, ૩-૪ બાફેલા બટાકાં, ૧ કપ મસળેલું પનીર, ૧ ૧/૨  ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૨ કપ ચણાનો લોટ, તળવા માટે ઘી કે તેલ.

રીત : ૧ ચમચી તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખીને નરમ કરો. પનીર અને બટાકાં નાખીને મિક્સ કરો. ૧ ચમચી મીઠું, ચાટ મસાલો, લાલ મરચું નાખીને મિક્સ કરો. તૈયાર મિશ્રણને  ઠંડુ કરો. કેપ્સિકમને વચ્ચેથી કાપી લો અને તેમાં તૈયાર મિશ્રણ ભરો. ચણાના લોટમાં મીઠું નાખીને પાણીની સાથે ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. કડાઈમાં  તેલ ગરમ કરો. દરેક કેપ્સિકમને આખું કે અડધું જ ચણાના લોટમાં લપેટીને ગરમ તેલમાં તળો. ઊંધાચત્તા કરી તળીને બ્રાઉન પેપર પર કાઢો. ગરમ ગરમ પકોડાં ચા કે કોફી સાથે સર્વ કરો.

રવો અને લોટના પૂડા

સામગ્રી :  ૧ ૧/૨ કપ લોટ, ૧/૨ કપ રવો,  ૧/૨ કપ છીણેલું નાળિયેર, ૨ ટીપાં લીલો રંગ, ૧/૪ કપ કોઈપણ સૂકો મેવો, તળવા માટે તેલ. ૧/૨ ચમચી લીલી એલચી વાટેલી, ૧/૨ ચમચી વરિયાળી, ૧/૪ કપ ખાંડ

રીત : રવા અને લોટને ચાળી લો. તેમાં વાટેલી એલચી અને વરિયાળી તથા ખાંડ નાખો. પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને ૧૦-૧૫ મિનિટ  ઢાંકીને રાખો. છીણેલા નાળિયેરને રંગી લો. બદામ અને કાજુ સમારો. તવો અથવા નોનસ્ટિક પેનને ગરમ કરો.આછું ચીકણું  કરો. તૈયાર મિશ્રણમાંથી ૨ મોટા ચમચા લઈને પૂડો બનાવો. બંને બાજુ ઉલટાવીને તળો. મધ, છીણેલુ નાળિયેર અને સૂકો મેવા છાંટો.  ભીની ભીની મોસમમાં ગરમ ગરમ લહેજતદાર પૂડાનો આનંદ માણો.

પાલક પૂડા

સામગ્રી :  ૧/૨ કપ સમારેલી પાલક, ૧ ૧/૨ કપ ચણાનો લોટ, ૧/૪ ચમચી અજમો, ૧/૪ ચમચી સંચળ, ૧ ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧/૪ કપ લીલાં મરચાં અને કોથમીર સમારેલી તેલ આવશ્યક્તા અનુસાર. ૧ કપ પનીર (મસળેલું)

રીત : ચણાના લોટમાં મીઠું, લાલ મરચું, ચાટ, મસાલો, સંચળ નાખીને ચાળી લો. પાણી સાથે ઘટ્ટ મિશ્રણ બનાવો. નોનસ્ટિક પેનને ગેસ પર ગરમ કરો.   આછું તેલ લગાડો. નોનસ્ટિક પેન પર ૧ ચમચો મિશ્રણ પાથરો. સમારેલી પાલક તેના પર છાંટો અને પૂડાને ફેલાવો. કિનારી પર થોડું થોડું તેલ નાખો અને ઉલટાવીને પૂડો તૈયાર કરો. પનીર,લીલાં મરચાં અને કોથમીર નાખી સર્વ  કરો.

ચટપટા વડાં

સામગ્રી :  ૧ ડુંગળી (નાની સમારેલી), ૩-૪ લીલાં મરચાં, ૧/૪ કપ કોથમીર, ૧૦-૧૨ કિસમિસ ચપટી હિંગ, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧  ચમચી મીઠું, ૧/૨ ઈંચ આદુનો ટુકડો, ૧/૪ કપ છીણેલું નાળિયેર, તળવા માટે તેલ, ૨ વાટકી અડદની ફોતરાં વિનાની દાળ.

રીત : દાળને રાત આખી પલાળો અને સવારે  ગાળીને તેમાં ચપટી હિંગ, કાપેલું આદું  નાખીને વાટી લો.  વાટેલી દાળમાં મસાલા સમારેલી ડુંગળી, સમારેલાં લીલા મરચાં, કોથમીર, કિસમિસ, નાળિયેરની છીણ અને મીઠું મિક્સ  કરો. કડાઈમાં તેલ ગરમ કરો. 

ભીની આંગળીઓથી દાળના મિશ્રણને ઉપાડી ઉપાડીને મનપસંદ આકાર અને માપમાં ઘી કે તેલમાં તળો. ઉપરનીચે ફેરવીને ચટપટાં વડાં તળીને બહાર કાઢો. લીલી ચટણી અને ચાની સાથે તરત જ સર્વ કરો.

- હિમાની

Related News

Icon