
વર્ષાઋતુના આગમન સાથે જ તમારા વોર્ડરોબને ફરીથી સજાવવાનો સમય આવી ગયો છે. રંગબેરંગી છત્રીઓ અને રેઇનકોટ જોઇને બાળકો તેમજ વડીલો આનંદમાં આવી જાય છે. વરસાદની ખુશનુમા મોસમ મોટેભાગેતો બધાંને જ ગમે છે પરંતુ કેટલાંક લોકો માટે તો વરસાદ એટલે ગંદા પાણીનાં ખાબોચિયાં, કાદવ ચોટેલાં કપડાં અને ભીનાં જૂતાં! આ બધાંથી છૂટકારો મેળવવા માટે તમે કેવા પોશાક પહેરી શકો એ વિશે કેટલીક માહિતી મેળવીએ.
તમારા લાંબા-ઘેરવાળા સ્કર્ટ અને આછા રંગના ટ્રાઉઝર્સને સંકેલીને મૂકી દો. ચોમાસામાં જિન્સ પહેરવું પણ પોસાય નહિ કારણ કે એ ભીનું થાય તો જલદી સૂકાય નહિ અને તેને લીધે તેમાંથી ખરાબ દુર્ગંધ આવવા માંડે છે તેથી આ બધાં કપડાં શિયાળામાં ફરી પહેરી શકાશે.
ઘેરા રંગના કપડાં પહેરવા માટે ચોમાસું સૌથી ઉત્તમ ગણાય. કારણ કે પાતળાં, સુતરાઉ કપડાં વરસાદમાં ચાલે નહિ. અને જો તમારા કોટનના સફેદ રંગના ડ્રેસ કે શર્ટ પર કાદવનાં છાંટા ઉડશે તો તમને નહિ ગમે તેથી આ ઋતુમાં નાયલોન, સિલ્ક અને બ્લેન્ડેડ કોટનના પોશાક વધારે સુવિધાજનક રહેશે. ક્રેપ અને શિફોનનાં કપડાં ભીના થતાં તેનો આકાર બદલાઇ જાય છે અને વજન પણ વધી જાય છે.
બને ત્યાં સુધી આ મોસમમાં બૂટ-મોજા પહેરી રાખવાથી પગની ત્વચાને નુકસાન થાય છે, ખંજવાળ આવે છે અને તમારે લાંબા અંતરે ન જવું હોય તો તમે સેન્ડલ પહેરી શકો. જેથી પગ સ્વચ્છ રહેશે. જોકે અત્યારે પગરખાં બનાવતી કંપનીઓએ વિવિધ પ્રકારના આકર્ષક અને સુવિધાજનક જૂતા-ચંપલ બહાર પાડયા છે જે વરસાદમાં પહેરી શકાય. યુવતીઓ પોતાના પગને કાદવથી બચાવવા માટે 'પ્લેટફોર્મ હીલ' વાળા ચંપલ કે સેન્ડલ વધુ પસંદ કરે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આ પ્રકારના ચંપલના તળિયા વધારે લીસા ન હોય કેમ કે તેનાથી લપસી જવાનો ડર રહે છે.
ચોમાસામાં તમે જિન્સને બદલે કેપ્રી, થ્રી-ફોર્થ તેમ જ શોર્ટસ છૂટથી પહેરી શકો છો કારણ કે તે જલદી સૂકાઇ જાય છે અને થોડાં ટૂકાં હોવાથી બગડતાં પણ નથી. સ્વાભાવિક છે કે આ ઋતુમાં લેધર બેગ તો જરાય ન પોસાય. ચામડાની વસ્તુઓ ભીની થતાં ખરાબ થઇ જાય છે. અને આવી બેગ ખૂબ જ મોંઘી પણ હોય છે તેમ જ પાણી લાગતાં તેનો આકાર બદલાઇ જાય છે. તેથી પેટન્ટ લેધર અથવા વોટરપ્રુફ મટિરીયલની બેગ વાપરી શકાય. એ સિવાય શણની બેગ પણ ભીની થતાં સંકોચાઇને દુર્ગંધ ફેલાવે છે. માટે જુદી જુદી બ્રાન્ડની વોટરપ્રુફ બેગ ખરીદી શકાય.
એસેસરિઝની વાત કરીએ તો હવે પ્લાસ્ટિક એરિંગ્સ તેમ જ આછા રંગની બંગડીઓ ફેશનમાં પાછી આવી રહી છે. જેનો રંગ પણ ઉતરતો નથી અને વજનમાં પણ હળવા હોવાથી પહેરવામાં અનુકૂળતા રહે છે. કારણ કે પાણીથી તરબોળ વાતાવરણમાં આપણો મુખ્ય હેતુ તો હળવાશ અનુભવવાનો જ છે ને!