
જ્યારે પણ હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે શિમલા કે મનાલીના નામ જ મનમાં આવે છે. પરંતુ હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય છે જેને કુદરતે ઘણી સુંદર ખીણોની ભેટ આપી છે. લોકો ઘણીવાર મનાલી અને શિમલાની મુલાકાત લે છે પરંતુ આજે અમે તમને હિમાચલ પ્રદેશના એક એવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ખાસ છે અને ત્યાં ભાગ્યે જ ભીડ હોય છે. અમે સ્પીતિ વેલી વિશે વાત કરી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તમે ઉનાળાની ઋતુમાં અહીંની મુલાકાત લઈ શકો છો, તેથી જો તમે આગામી દિવસોમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો અને કોઈ અનોખી જગ્યા શોધી રહ્યા છો તો સ્પીતિ વેલી ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.
સ્પીતિ વેલી ક્યાં આવેલી છે?
સ્પીતિ વેલી એ હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સ્થિત એક ઠંડી રણ પર્વતીય વેલી છે. આ વેલી તેના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે જાણીતી છે. સ્પીતિ વેલીનું વહીવટી મુખ્યાલય કાઝા છે, જે જિલ્લા મુખ્યાલયથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચવાનો સૌથી સહેલો રસ્તો રોડ માર્ગ છે.
સ્પીતિ વેલીનો નજારો તેના અનોખા અને મનમોહક કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં તમને લીલીછમ વેલી નહીં પણ એક સંપૂર્ણપણે અલગ પ્રકારનો નજારો દેખાશે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તમારા મનને મોહી લેશે અને દરેક વળાંક પર ઈતિહાસની વાર્તાઓ જોવા મળશે. સ્પીતિ વેલી એક ઠંડો રણ વિસ્તાર છે, તેથી અહીંની જમીન મોટાભાગે ખડકાળ અને સૂકી છે. અહીં તમને ખડકો અને પથ્થરોનો અદ્ભુત સંગમ જોવા મળશે.
શું અહીં હોટલ સરળતાથી મળી જશે?
ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે સ્પીતિ વેલીમાં રહેવા માટે હોટલ છે કે નહીં? તમને જણાવી દઈએ કે સ્પીતિ વેલીમાં રહેવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. કાઝા અને તાબો જેવા મુખ્ય સ્થળોએ હોટેલ અને ગેસ્ટ હાઉસ સરળતાથી ઉપલબ્ધ છે. અહીં તમે સ્થાનિક હોમસ્ટેમાં પણ રહી શકો છો, જે તમને સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો અનુભવ કરવાની તક આપે છે. સ્પીતિ વેલીમાં હોટલ અને ગેસ્ટ હાઉસ 1થી 5 કિલોમીટરના અંતરે સરળતાથી ઉપલબ્ધ છે.
સ્પીતિ વેલી કેવી રીતે પહોંચવું?
સૌ પ્રથમ તમારે મનાલી જવું પડશે. આ પછી, મનાલીથી સ્પીતિ વેલી સુધીનો રસ્તો રોહતાંગ પાસ અને કુંજુમ પાસ થઈને જાય છે. તમને જણાવી દઈએ કે સ્પીતિ વેલી સુધી પહોંચવા માટે, મનાલીથી કાઝા સુધી ઘણી સરકારી બસો દોડે છે. આ ઉપરાંત, તમે શિમલા થઈને પણ સ્પીતિ વેલી પહોંચી શકો છો.
કઈ ઋતુમાં સ્પીતિ વેલીની મુલાકાત લેવી જોઈએ?
સ્પીતિ વેલીની મુલાકાત લેવા માટે ઉનાળો બેસ્ટ ઋતુ માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શિયાળામાં તેની મુલાકાત નથી લઈ શકાતી. ઉનાળામાં (મેથી ઓક્ટોબર) અહીંનું હવામાન ખુશનુમા હોય છે, અને રસ્તા ખુલ્લા હોય છે, જેના કારણે મુસાફરી સરળ બને છે. શિયાળામાં (નવેમ્બરથી એપ્રિલ) સ્પીતિ વેલી અત્યંત ઠંડી હોય છે, અને કેટલાક રસ્તાઓ બરફથી ઢંકાયેલા હોય છે, જેના કારણે મુસાફરી મુશ્કેલ બને છે.
સ્પીતિ વેલીમાં ફરવા લાયક સ્થળો
સ્પીતિનો અર્થ 'વચ્ચેની ભૂમિ' થાય છે - તિબેટ અને ભારતની વચ્ચે આવેલી આ વેલીની પોતાની અલગ ઓળખ છે. સમુદ્ર સપાટીથી 12,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત, સ્પીતિ વેલી તમને બૌદ્ધ મઠોની શાંતિ, પર્વતોની સુંદરતા અને સ્વચ્છ વાદળી આકાશ પ્રદાન કરે છે. સ્પીતિ વેલીમાં આવેલા મઠની મુલાકાત અવશ્ય લો કારણ કે આ સ્થળની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મઠ 1,000 વર્ષ જૂનો છે. આ ઉપરાંત, સ્પીતિ નદી અને ચંદ્રતાલ તળાવના કિનારે વિતાવેલો સમય હંમેશા યાદ રહેશે છે. આ સાથે, સ્પીતિ વેલીમાં ચિંચમ બ્રિજ પણ ખૂબ જ લોકપ્રિય છે. આ પુલની ખાસિયત એ છે કે તે બે પર્વતો વચ્ચે બનેલો છે.