
જ્યારે ઉનાળાનો તડકો અને વધતું તાપમાન તમને પરેશાન કરવા લાગે છે, ત્યારે તમને એવી જગ્યાએ જવાનું મન થાય છે જ્યાં ઠંડો પવન, બરફની સફેદ ચાદર અને શાંતિપૂર્ણ વાતવરણ હોય. મોટાભાગના લોકો માને છે કે શિયાળામાં જ બરફવર્ષા (Snowfall) નો આનંદ માણી શકાય છે. પણ એવું નથી. ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે એપ્રિલ અને મે જેવા ગરમ મહિનામાં પણ બરફ સાથે રમી શકો છો.
તમે બરફમાં રમવા માંગતા હોવ, બરફ પર ટ્રેકિંગનો રોમાંચ માણવા માંગતા હોવ કે પછી બરફથી ઢંકાયેલા પર્વતો જોવા માંગતા હોવ, ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે ઉનાળામાં પણ બરફવર્ષા (Snowfall) નો અનુભવ મેળવી શકો છો. ચાલો આજે આ લેખમાં તમને તે સુંદર સ્થળો વિશે જણાવીએ જે તમને એપ્રિલ-મે મહિનામાં પણ બરફવર્ષા (Snowfall) નો અનુભવ કરાવશે.
યુમથાંગ વેલી, સિક્કિમ
બરફથી ઢંકાયેલી આ જગ્યા એટલી સુંદર છે કે જોનારાઓ તેને જોતા જ રહે છે. એપ્રિલ અને મે મહિનામાં પણ અહીં બરફની જાડી ચાદર પથરાયેલી હોય છે, અને ચારે બાજુ રંગબેરંગી ફૂલોનું દૃશ્ય દિલ જીતી લે છે. આ સ્થળ ગંગટોકથી લગભગ 140 કિમી દૂર છે અને તેને ફ્લાવર વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દ્રાસ, લદ્દાખ
દ્રાસને વિશ્વનો બીજો સૌથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે. અહીં ઉનાળામાં પણ ઊંચાઈવાળા વિસ્તારો બરફથી ઢંકાયેલા રહે છે. એપ્રિલ-મે મહિનામાં પણ અહીં બરફની ચાદર જોઈ શકાય છે. ખાસ કરીને જો તમે કારગિલ અને ઝોજીલા પાસ થઈને જાઓ છો. ઉનાળાની ઋતુમાં પણ, તમે અહીં આવી શકો છો અને બરફનો ભરપૂર આનંદ માણી શકો છો.
રોહતાંગ પાસ, હિમાચલ પ્રદેશ
મનાલીથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું રોહતાંગ પાસ ઉનાળામાં ફરવા માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. એપ્રિલ અને મે મહિનામાં પણ અહીં બરફની ચાદર પથરાયેલી હોય છે અને બરફની રમતોનો ભરપૂર આનંદ માણી શકાય છે. જેમ કે સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ અને સ્નો બાઈકિંગ. આ સ્થળ પરિવાર, પાર્ટનર અને મિત્રો સાથે ફરવા માટે યોગ્ય છે.
થાજીવાસ ગ્લેશિયર, જમ્મુ અને કાશ્મીર
સોનમર્ગથી થોડા કિલોમીટર દૂર થાજીવાસ ગ્લેશિયર આવેલું છે. ઉનાળામાં બરફનો આનંદ માણવા માટે આ સ્થળ પણ યોગ્ય છે. અહીં તમે ઘોડેસવારી, સ્નો ટ્રેકિંગ અને સ્લેજ રાઈડિંગ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ કરી શકો છો. એપ્રિલ અને મે મહિનામાં અહીંનું હવામાન ખુશનુમા હોય છે અને અહીંના નજારા કોઈ ફિલ્મી દૃશ્યથી ઓછા નથી લાગતા.
સેલા પાસ, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશના ઊંચા શિખરો વચ્ચે સ્થિત સેલા પાસ 13,700 ફૂટની ઊંચાઈ પર છે. આ જગ્યા લગભગ આખું વર્ષ બરફથી ઢંકાયેલી રહે છે, અને ઉનાળામાં પણ તમને અહીં બરફ જોવા મળશે. જો તમે ઓછી ભીડવાળી, શાંત અને કુદરતી સૌંદર્યવાળી જગ્યા શોધી રહ્યા છો તો સેલા પાસની મુલાકાત ચોક્કસ લો.