
દેશની બહાર મુસાફરી કરવા માટે વ્યક્તિને પાસપોર્ટની જરૂર હોય છે. ભારતીય પાસપોર્ટ એ દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાસપોર્ટનો અર્થ તમે આ રીતે પણ સમજી શકો છો કે તે વ્યક્તિ માટે એક પ્રકારનું ઓળખપત્ર છે, જે તેની ભારતીય નાગરિકતા દર્શાવે છે. સામાન્ય રીતે લોકોના પાસપોર્ટ કવરનો રંગ બ્લૂ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં બ્લૂ કવર પાસપોર્ટ ઉપરાંત મરૂન, સફેદ અને નારંગી રંગના પાસપોર્ટ પણ જારી કરવામાં આવે છે. પાસપોર્ટના આ બધા રંગોનું પોતાનું ખાસ મહત્ત્વ છે, જે પાસપોર્ટ ધારકની શ્રેણી અને તેના અધિકારોને દર્શાવે છે. અહીં જાણો કે દરેક પાસપોર્ટ રંગનો અર્થ શું થાય છે.
બ્લૂ પાસપોર્ટ
સામાન્ય રીતે ભારતીય નાગરિકોને બ્લૂ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. આ રંગીન પાસપોર્ટને 'રેગ્યુલર પાસપોર્ટ' અથવા 'પર્સનલ પાસપોર્ટ' પણ કહેવામાં આવે છે. જે નાગરિકોની ઓળખ દર્શાવે છે અને સૌથી સામાન્ય પાસપોર્ટ છે. બ્લૂ પાસપોર્ટનો ઉપયોગ પર્યટન, વ્યવસાય, શિક્ષણ અથવા અન્ય વ્યક્તિગત મુસાફરી માટે થાય છે. તે 36 કે 60 પાનામાં ઉપલબ્ધ હોય છે.
મરૂન પાસપોર્ટ
મરૂન પાસપોર્ટ ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, રાજદ્વારીઓ અને વરિષ્ઠ સિવિલ સર્વિસના સભ્યોને જારી કરવામાં આવે છે. આ પ્રકારના પાસપોર્ટને 'ડિપ્લોમેટિક પાસપોર્ટ' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ રાજદ્વારી મિશન, વિદેશી સરકારો સાથે વાચતીત અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મુલાકાતો માટે થાય છે.
સફેદ પાસપોર્ટ
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સફેદ પાસપોર્ટ આપવામાં આવે છે. આને 'સત્તાવાર પાસપોર્ટ' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ સરકારી કાર્યો માટે થાય છે, જેમ કે સત્તાવાર મુલાકાતો, પરિષદો અથવા વિદેશમાં સરકારી પ્રતિનિધિત્વ.
નારંગી પાસપોર્ટ
નારંગી પાસપોર્ટ એવા નાગરિકો માટે છે જેની પાસે સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત નથી અને તેઓ "ECR" (ઇમિગ્રેશન ચેક જરૂરી) શ્રેણી હેઠળ આવે છે. નારંગી રંગ ECR સ્થિતિ દર્શાવે છે, જેમાં વિદેશ મુસાફરી કરતા પહેલા ઇમિગ્રેશન તપાસ જરૂરી હોય છે.
પાસપોર્ટના રંગને આંતરરાષ્ટ્રીય નિયમો સાથે કોઈ લેવાદેવા નથી
ભારતીય પાસપોર્ટનો રંગ આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર પસંદ કરવામાં આવતો નથી પરંતુ તે ભારત સરકારની નીતિ પર આધારિત છે.
પાસપોર્ટ સંબંધિત સાવચેતીઓ
પાસપોર્ટ માટે અરજી ફક્ત સત્તાવાર પાસપોર્ટ સર્વિસ કેન્દ્ર અથવા વેબસાઇટ (www.passportindia.gov.in) દ્વારા જ કરો. તમારા પાસપોર્ટનો દુરુપયોગ થવાથી બચાવો, કારણ કે તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.