
આધુનિક સાધન સંસાધનોની વચ્ચે સૌરાષ્ટ્રના 11 જિલ્લા 58 તાલુકા અને અંદાજિત 3,500 કિલોમીટર વિસ્તારમાં વન વિભાગના કર્મચારી, સ્થાનિક સરપંચો, એનજીઓ અને સ્વયંસેવકો મળીને કુલ 3000 કરતા પણ વધુ કર્મચારીઓ 16મી સિંહ ગણતરીમાં જોડાયા છે. મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ આ સિંહ ગણતરીમાં જોડાયા છે.
સાંસદ પરિમલ નથવાણીએ સિંહ ગણતરીનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા / ઉના વિસ્તારમાં આખો દિવસ સિંહ ગણતરીમાં કર્મચારીઓ સાથે વિતાવ્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, આ એક અદ્ભૂત લ્હાવો રહ્યો છે. સાંસદ પરિમલ નથવાણીએ સિંહ ગણતરી પ્રકિયાને અવિસ્મરણીય ગણાવી વનવિભાગના કર્મચારી સાથે બાઈક પર ફરતા હોય તેવો ફોટો પણ શેર કર્યો હતો.
https://twitter.com/mpparimal/status/1921771630549758156
સાસણ ગીર સહિતના વિસ્તારોમાં જ્યાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આજે બપોરથી ફરી એક વખત સિંહોની આખરી ગણતરીનું કાર્ય શરૂ કરાશે. સાવજોની વસતીનો આંક જાણવા ૧૬ જિલ્લાના પ૮ તાલુકામાં ૩પ હજાર ચો.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
સાસણ અભયારણ્ય ખાતેથી તા.૧૦ના બપોરે ર વાગ્યાથી સિંહોની વસતી ગણતરીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી તા.૧૧ના બપોરના ર સુધી પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરાયું હતું. તા.૧૧ના બપોરથી તા.૧રના બપોર સુધી કામગીરી બંધ રાખવામાં આવી હતી. વન વિભાગના નેજા હેઠળ ૩ હજાર જેટલા લોકો ગણતરીના કાર્યમાં જોડાયા છે અને સિંહોને શોધીને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી છે.
જંગલના બહારના વિસ્તારમાં ૪૦૦ જેટલા સિંહો હોવાનું અનુમાન
પ્રાથમિક ગણતરીના અંદાજમાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધે તેવું અનુમાન છે. વર્ષ ર૦ર૦માં સિંહોની સંખ્યા ૬૭૪ જેટલી હતી અને તેમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. પ્રાથમિક તબક્કાના અંદાજમાં જંગલની અંદર ૩૦૦થી વધુ સિંહો અને જંગલના બહારના વિસ્તારમાં ૪૦૦ જેટલા સિંહો હોવાનું વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા તા.૧રના બપોરના ર વાગ્યાથી સિંહોની આખરી ગણતરી શરૂ કરવામાં આવશે અને તા.૧૩ના બપોરના ર સુધીમાં કામગીરીને પૂર્ણ કરાશે.
રાજકોટ, પોરબંદર જિલ્લામાં પ્રથમવાર સિંહ નોંધાયા
પ્રાથમિક તબક્કાની ગણતરીના અંદાજમાં એ મહત્વની બાબત સામે આવી છે કે, આ વખતે પ્રથમ વખત જ રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સિંહોની સંખ્યા જોવા મળી છે.
એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહની 16મી ગણતરી 11 તારીખથી વિધિવત રીતે શરૂ થઈ છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ સિંહ ગણતરીની શરૂઆત કરાવી હતી. બે તબક્કામાં આયોજિત આ સિંહ ગણતરીમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા.
જણાવી દઈએ કે, ગીરમાં સિંહોની ગણતરી કરવાની શરૂઆત વર્ષ 1936માં જૂનાગઢ રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. એ સમયે 287 સિંહો નોંધાયા હતા. ત્યારબાદ 14 વર્ષ બાદ ફરીથી મિસ્ટર વિન્ટર બ્લિથ દ્વારા વસ્તી ગણતરી કરાઈ હતી. એ વખતે સિંહની સંખ્યામાં 60નો ઘટાડો થઈને 227 નોંધાયા હતા. ત્યારબાદ 1955 માં પાંચ વર્ષ બાદ મિસ્ટર વિન્ટર બ્લિથ દ્વારા કરાયેલી સિંહોની ગણતરીમાં સિંહોની સંખ્યા 63 જેટલી વધીને 290 એ પહોંચી હતી.
વર્ષ 1963માં ગુજરાત વન વિભાગની સ્થાપના થયા બાદ પ્રથમ વખત સિંહોની ગણતરી વન વિભાગે કરી હતી. જેમાં સિંહની સંખ્યા પાંચ ઘટીને 285 નોંધાઈ હતી ત્યારબાદ પાંચ વર્ષ પછી 1968 માં થયેલી ગણતરીમાં સિહોની સંખ્યામાં 108 નો ઘટાડો નોંધાયને 177 સિહોની સંખ્યા પહોંચી હતી. ત્યારબાદ 1974 માં છ વર્ષ પછી ગણતરી હાથ ધરાઈ હતી જેમાં માત્ર ત્રણ સિંહનો વધારો થયો અને ગીરમાં સિંહોની સંખ્યા 180 પહોંચી હતી. 1979 માં ફરી ગણતરી થઈ જેમાં 25 સિંહના વધારા સાથે સંખ્યા 205 પહોંચી. 1984 માં સિંહોની સંખ્યા 34 ના વધારા સાથે 239 એ પહોંચી હતી. 1990 માં 45 સિંહના વધારા સાથે સંખ્યા 284 એ પહોંચી.
વર્ષ 1995માં થયેલી ગણતરી અનુસાર 20 સિંહના વધારે સાથે સિંહોની સંખ્યા પ્રથમ વખત 300 ને પાર કરી ગઈ. ત્યાર પછીના પાંચ વર્ષ પછી થયેલી ગણતરીમાં સિહોની સંખ્યામાં 23 ના વધારા સાથે તે 327 પહોંચી હતી. 2005ની ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયા હતા, 2010 માં ફરી થયેલી ગણતરી બાદ સિંહોની સંખ્યા 411 એ પહોંચી હતી. વર્ષ 2015 થી લઈ અને 2020 પાંચ વર્ષના આ ગાળામાં સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો વર્ષ 2015માં 523 અને 2020 માં 674 જેટલા સિંહો ગણતરીમાં નોંધાયા હતા.