ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા કાયદાના રક્ષકો જ ઉડાવી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવનારી પોલીસ જ જાહેરમાં નશો કરીને ફરે તે ક્યાંનો ન્યાય. સાબરકાંઠા જિલ્લામાં ખાખીને કલંકિત કરતો આવો કિસ્સો સામે આવ્યો છે. ઈડર જેવા મોટા શહેરમાં ભરબજારે પોલીસ કર્મી નશાની હાલતમાં જાહેર રસ્તા ઉપર ગાડી લઈને નીકળ્યો હતો. પરંતુ અતિશય દારૂ ઢીંચી જવાને કારણે ભાન ભૂલી જતાં રસ્તા વચ્ચે જ ગાડી રોકી દીધી હતી.
ઈડર શહેરમાં એક પોલીસ કર્મી યુનિફોર્મમાં દારૂના નશામાં એટલો ધૂત હતો કે રસ્તા વચ્ચે જ ગાડી અટકાવી દીધી હતી. એટલો બધો દારૂ ઢીંચ્યો હતો કે તે બેભાન જેવો થઈ ગયો હતો. આ પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. ભરબજારે જાહેર રોડ ઉપર પોલીસ કર્મીની આવી વર્તણૂંકે એક વખત પોલીસને લજવી છે.
દારૂના નશામાં ધૂત ઈડરનો પોલીસ કર્મી ગાડીમાં જ ભાન ભૂલી ગયો હતો. દેશમાં ડ્રાય રાજ્ય ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે ત્યારે બીજી તરફ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ઢુલ થઈ ગયો છે. ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી દારૂનું ભરણ લેવા બાબતે ACB ના સકંજામાં આવ્યો છે.
બીજી તરફ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કર્મી દારૂના નશામાં ભાન ભૂલી જતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વેગન આર ગાડી લઈને નીકળેલ પોલીસ કર્મીએ એટલો બધો દારૂ પીધો હતો કે તે ગાડી ચલાવી શકે તેવી સ્થિતિમાં ન હોવા છતાં રોડ ઉપર ગાડી લઈને નીકળ્યો હતો. જાહેર માર્ગ ઉપર જ ગાડીમાં બેહોશ થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ગુજરાતમાં એકતરફ દારૂબંધીની વાતો થાય છે તો બીજી તરફ કાયદાનું અમલીકરણ કરાવનાર પોલીસ કર્મી જ દારૂના નશામાં ચૂર હોવાની પ્રાથમિક માહિતી મળી છે.