
Ahmedabad news: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ભારવિ ટાવર પાસે ભંગારના વેપારી આંગડિયા પેઢીમાંથી વેપારના રૂપિયા લઈને જઈ રહ્યા હતા ત્યારે બે શખ્સ તકરાર કરી વેપારીના રૂપિયા 15 લાખની લૂંટ કરી ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. જે અંગે પોલીસે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્ક્રેપ (ભંગાર)ના વેપારી સાથે ચકચારી 15 લાખ રૂપિયાની લૂંટનો બનાવ બનવા પામ્યો છે. જેમાં ભંગારનો વેપારી વેપાર માટે આંગડિયા પેઢીમાંથી રૂપિયા 15 લાખ થેલીમાં લઈને બહાર નીકળી રસ્તામાં જઈ રહ્યો હતો ત્યારે આ વેપારીની રેકી કરી રહેલા બે શખ્સો વેપારી પાસે જઈને અકસ્માત સર્જયો છે કહી શખ્સે તકરાર કરી જ્યારે બીજા શખ્સે 15 લાખ રૂપિયા ભરેલી થેલી લૂંટીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ રામોલ ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં 15 લાખની લૂંટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે સમગ્ર ઘટના અંગે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આરોપીઓને પકડવા રામોલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.