
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે સાવ કથળી હોય તેમ ગમે ત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. મારામારી, હત્યાનો પ્રયાસ તેમજ અન્ય ગુનાખોરી વધી રહી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ ગુજરાતના શહેરો અને ગ્રામ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. પરંતુ ધોરાજી શહેરમાં આની કોઈ અસર જણાઈ નથી રહી. ધોરાજીમાં પ્રેમ લગ્ન કર્યા તેની અદાવત રાખી એક યુવક પર ગત મોડીરાત્રે સાત શખ્સો પાઈપથી હિચકારો હુમલો કર્યો હતો.
ધોરાજી શહેરમાં રહેતા એક યુવકને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી અમદાવાદ સ્થાયી થયેલા બીસીએનો વિદ્યાર્થી ઈદની ઉજવણી કરવા ધોરાજીમાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવકના સાળા સહિત સાત શખ્સો આ યુવક પર પાઈપોથી તૂટી પડયા હતા. પરિણીત યુવકને માર મારતો હોય તે અંગેની સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. યુવકને બેભાન હાલતમાં જૂનાગઢમાં સારવાર માટે ખસેડાયો હતો. ધોરાજી સિટી પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એક વર્ષ અગાઉ યુવતીના ઘરના ઉપરવટ જઈ ભાગીને પ્રેમલગ્ન કરેલા હતા જે બાબતે યુવતીના ભાઈએ અદાવત રાખી તેના સાળા પર જીવલેણ હુમલો કરાવ્યો હતો.