
ભગવાન મહાવીર સ્વામીનો જન્મ 599માં એટલે કે છઠ્ઠી સદીમાં વૈશાલી રાજ્યમાં થયો હતો. મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જનકલ્યાણના કાર્યોને સમર્પિત કરી અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો હતો. જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીની જન્મતિથિને પગલે દેશભરમાં આ પવિત્ર તહેવારની ઉજવણી થઈ હતી. જેમાં જૈન ધર્મના શ્રાવક, શ્રાવિકાઓ, સંતો તેમજ ભક્તો સહિત સૌએ આનંદ અને ઉત્સવથી તહેવારની ઉજવણી કરી હતી.
ભરુચમાં જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા સૌના આકર્ષણનું કેન્દ્ર બની
શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને અવસરે ભરૂચ જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસરથી આરંભી શ્રીમાળી પોળ જૈન દેરાસર સુધી વિઘ્નવિહિન રીતે પસાર થઈ હતી. ભરુચના શક્તિનાથ જૈન દેરાસરથી નીકળેલી શોભાયાત્રામાં શાંતિના પાઘટક બેનરો, ધ્વજાઓ, સંગીતમય રથો તથા સંસ્કૃતિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર યાત્રા દરમ્યાન જૈન સમાજના શ્રદ્ધાળુઓએ ઉમંગ અને ઉલ્લાસભેર સહભાગીતા નોંધાવી હતી.
પાટણના પંચાસરા મંદિરમાં આજે શક્ર સ્તવ અભિષેક આયોજન
જૈનોના તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ જયંતી પ્રસંગે આજે પાટણ જૈન સમાજ દ્વારા સુંદર ધાર્મિક કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રખ્યાત એવું પંચાસરા મંદિરમાં આજે શક્ર સ્તવ અભિષેક આયોજન કરવામાં આવ્યું હતું. આજે ખુબ જ મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકો મુનિ ભગવંતો ઉપસ્થિત રહી આ ધર્મલાભ લીધો હતો આજે આયબિલ ઓળી નિમિતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતમાં જૈન સંઘ દ્વારા વિશાળ પગપાળા રેલી યોજાઈ
આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ કામરેજમાં પણ ઉજવાઈ હતી. જેમા વિશાળ પગપાળા રેલી નીકળી હતી અને તેમાં જૈન સમાજ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજની રેલીમાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ કામરેજ, શ્રી શ્વેતાંબર તેરાપંથ સભા કામરેજ, શ્રી આદિનાથ સંઘ કઠોર, શ્રી નેમીનાથ જૈન સંઘ કામરેજ જેવા સંઘોએ ભાગ લીધો હતો. આ ચારેય સંઘના સકલ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ દ્વારા શ્રી વર્ધમાન રેલીનું આયોજન કરાયુ હતું.
અંકલેશ્વરમાં સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રા
રાજ્યભરમાં મહાવીર જ્યંતીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની પંચાતી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.