Home / GSTV શતરંગ : "Low Shu Grid" and Rajayoga arising from it Shaily Bhatt

શતરંગ / "લો શુ ગ્રીડ" અને તેનાથી બનતા રાજયોગ

શતરંગ / "લો શુ ગ્રીડ" અને તેનાથી બનતા રાજયોગ
અગાઉના લેખમાં આપણે લો શુ ગ્રીડ અંગે પ્રાથમિક જાણકારી મેળવી, તેમજ વ્યક્તિગત લો શુ ગ્રીડ કેવી રીતે બનાવવી એ પણ જાણ્યું. આજના લેખમાં આપણે ગ્રીડ દ્વારા બનતા વિવિધ પ્લેન વિશે જાણીશું.
 
લો શૂ ગ્રીડ એ ચાઇનીઝ અંકશાસ્ત્ર પર આધારિત પદ્ધતિ છે.  1 થી 9 નંબરો લો શુ ગ્રીડની ત્રણ પંક્તિઓ અને ત્રણ કૉલમમાં વિશિષ્ટ ઓર્ડરમાં ગોઠવાયેલા હોય છે. જેમાં આડી, ઊભી કે ત્રાંસી એમ દરેક હરોળનો સરવાળો 15 થાય છે. ( નીચે સ્ટાન્ડર્ડ લો શુ ગ્રીડનો ફોટો મુકેલ છે.) દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત લો શુ ગ્રીડ હોય છે. આ ગ્રીડ અથવા ચાર્ટમાં રહેલ અંક તથા મીસિંગ અંક પરથી વ્યક્તિની લાઇફ જર્ની વિશે અનુમાન લગાવી શકાય છે.
 
પ્લેન એટલે શું? 
 
"લો શુ ગ્રીડ"માં આડી, ઊભી અને ત્રાંસી હરોળના વિશેષ અર્થ હોય છે.  ગ્રીડમાં જે ત્રણ આડી તેમજ ઊભી હરોળ આવેલી હોય છે તેને સાદી ભાષામાં પ્લેન તરીકે ઓળખવામાં આવે  છે. આ પ્લેન આપણને લો શુ ગ્રીડની આગાહીઓને સમજવામાં મદદ કરે છે: ગ્રીડમાં જન્મતારીખના અંકો ગોઠવ્યા બાદ જે હરોળ ભરાઈ હોય તે હરોળને સંબધિત વિશેષ લાક્ષણિકતા તે જાતકમાં જોવા મળતી હોય છે. (નીચે 8 પ્રકારના પ્લેન વિશે સમજુતિ આપતો ફોટો મુકેલ છે.)
 
હોરિઝોંટલ પ્લેન - આડી હરોળ
 
 
• મેન્ટલ પ્લેન - પ્રથમ હરોળ: 4-9-2
• ઈમોશનલ પ્લેન - મધ્યમ હરોળ: 3-5-7 
• પ્રેક્ટીકલ પ્લેન- અંતિમ હરોળ: 8-1-6 
 
મેન્ટલ પ્લેન- 4-9-2: મેન્ટલ પ્લેન વ્યક્તિની વિચાર કરવાની જન્મજાત ક્ષમતા દર્શાવે છે.  તે મેમરી, બુદ્ધિ, વિશ્લેષણાત્મક કુશળતા અને માનસિક પ્રક્રિયાઓનો સંદર્ભ આપે છે.
 
આધ્યાત્મિક અથવા ભાવનાત્મક પ્લેન - 3-5-7: જન્મ ચાર્ટની મધ્યની આડી રેખા ભાવનાત્મક અથવા આત્માના સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે.  તે સંવેદનશીલતા, સ્વતંત્રતા, પ્રેમ, સર્જનાત્મક કળા તરફ ઝોક, આધ્યાત્મિક સ્વતંત્રતા અને અંતર્જ્ઞાન વ્યક્ત કરે છે.
 
પ્રેક્ટીકલ અથવા ભૌતિક પ્લેન - 8-1-6: પ્રેક્ટીકલ પ્લેન એ જન્મ ચાર્ટની સૌથી નીચેની સિક્વંસમાં બને છે. તે રાજયોગ કારક ગણાય છે. આ પ્લેન ભાષાકીય અભિવ્યક્તિ, ભૌતિક ક્ષમતા, વ્યવહારુ ક્ષમતા, અને પ્રખર શારીરિક શ્રમ કરવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
 
વર્ટિકલ પ્લેન- ઊભી હરોળ 
 
 
• થોટ પ્લેન - પ્રથમ હરોળ: 4-3-8
• વીલ પ્લેન - મધ્યમ હરોળ: 9-5-1 
• એક્શન પ્લેન- અંતિમ હરોળ: 2-7-6
 
થોટ પ્લેન - પ્રથમ હરોળ - 4-3-8: તેને વૈચારિક પ્લેન કહેવામાં આવે છે.  તે વિચારોના આવવાની, તેને અમલમાં મૂકવાની અને તેને પૂર્ણતા સુધી લઈ જવાની વ્યક્તિની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
 
વીલ પ્લેન - મધ્યમ હરોળ - 9-5-1: આ પ્લેન રાજયોગ કારક ગણાય છે. તે સિદ્ધિ માટે ઇચ્છાશક્તિ અને ખંતને સમર્થન આપે છે.  તેથી તેને વિલ પ્લેન કહે છે. જે વ્યક્તિમાં રહેલ સંકલ્પશક્તિ અને મનોબળ સૂચવે છે. 
 
એક્શન પ્લેન- અંતિમ હરોળ- 2-7-6: એક્શન પ્લેન તરીકે ઓળખાતું આ પ્લેન લોકોની તેમના વિચારો પર કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. જાતકમાં રહેલી દ્રઢ ઈચ્છાશક્તિ એના કાર્યમાં ઝળકશે કે કેમ તે આ પ્લેન પરથી જાણી શકાય છે.
 
વિવિધ પ્લેન દ્વારા બનતા યોગ
 
• ભૌતિક અથવા પ્રેક્ટીકલ પ્લેન
 
સૌથી નીચેની પંક્તિમાં ગોઠવાયેલા નંબરો 8, 1 અને 6 પ્રેક્ટીકલ પ્લેન રજૂ કરે છે. નંબરો 8,1 અને 6 એ લો શુ ગ્રીડ અંકશાસ્ત્રમાં સમૃદ્ધિ નંબરો દર્શાવે છે.  8 એ શનિ, 1 એ સૂર્ય તથા 6 અંક શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લેન ધરાવનાર જાતક સખત મહેનત અને વાસ્તવિકતામાં વિશ્વાસ ધરાવે છે. આ પ્રેક્ટીકલ પ્લેન સફળતા, વિપુલતા, નસીબ અને સમૃદ્ધિની નિશાની છે.  તે ભૌતિકવાદી જીવનશૈલીને પણ સૂચિત કરે છે, જે ક્યારેક ઘમંડ અને અહંકારની લાગણીઓ પણ પેદા કરે છે. આ અંકો ધરાવનાર જાતક સખત પરિશ્રમ દ્વારા જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે. 
 
• વીલ પ્લેન
 
વચ્ચેની ઊભી પંક્તિ (નંબર 9, 5, 1) એ ઈચ્છા શક્તિનું પ્લેન છે. તથા સફળતા માટે નિશ્ચય અને દ્રઢતાનું પ્લેન છે. 9 એ મંગળ, 5 બુધ અને 1 એ સૂર્યનો અંક છે. મન બુદ્ધિ અને જુસ્સાનો સમન્વય ધરાવતું આ પ્લેન જેની ગ્રીડમાં હોય તેવા જાતક મજબૂત મનોબળ ધરાવતા હોય છે. સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જરૂરી છે. જે આ વિલ પ્લેન આપે છે.  1950થી 1959માં જન્મેલા તમામ લોકોમાં આ પ્લેન એક્ટિવ જોવા મળશે!  જો ઇચ્છાશક્તિનું પ્લેન નિષ્ક્રિય હોય, તો વ્યક્તિમાં જીવનમાં કામ કરવાની શક્તિ અને ઇચ્છાશક્તિનો અભાવ હોય છે. માત્ર વિચાર કર્યા કરે, પણ તેને અમલમાં ન મૂકી શકે. જો તમારી ગ્રીડમાં આ પ્લેન મોજૂદ હોય તો તમે જીવનમાં ચોક્ક્સ સફળતા મેળવશો.
 
• સક્સેસ પ્લેન
 
 
ગ્રીડમાં ત્રણ હોરીઝોન્ટલ અને ત્રણ વર્ટિકલ પ્લેન ઉપરાંત બે ત્રાંસી રેખાઓ પણ બનતી હોય છે. જેને અનુક્રમે ગોલ્ડન પ્લેન તથા સિલ્વર પ્લેન કહેવામાં આવે છે. જેને બીજા શબ્દોમાં સક્સેસ પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
• ગોલ્ડન પ્લેન (સક્સેસ પ્લેન - 1)
 
લો-શુ ગ્રીડમાં નંબર 4 (રાહુ), 5 (બુધ) અને 6 (શુક્ર) નો અર્થ સ્વર્ણિમ યોગ  થાય છે. શુક્ર, બુધ અને રાહુનો સમન્‍વય પ્રભાવી નેતૃત્વ, આર્થિક સમૃદ્ધિ, અસરકરક વક્તૃત્વશક્તિ અને કરિશ્માઇ વ્યક્તિત્વ આપે છે. નામ, ખ્યાતિ અને પૈસા આપનાર આ પ્લેન માત્ર 2-3% લોકોની ગ્રિડમાં જોવા મળે છે. આમિર ખાનના ચાર્ટમાં આ પ્લેન જોવા મળે છે.
 
• સિલ્વર પ્લેન (સક્સેસ પ્લેન - 2)
 
લો શુ ગ્રીડ સ્ક્વેરમાં 2 (ચંદ્ર), 5 (બુધ) અને 8 (શનિ) નંબરો સિલ્વર પ્લેન બનાવે છે. ચંદ્ર, બુધ અને શનિ ગ્રહનો સમન્‍વય ધરાવનાર આ પ્લેનને રજત યોગ અથવા સંપત્તિ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોગ ધરાવનાર વ્યક્તિ પાસે ઘણી સંપત્તિ હોય છે. સ્થાવર મિલકતો સારા પ્રમાણમાં હોય અથવા આ ક્ષેત્રે બિઝનેસ કરતા હોઇ શકે. જોકે આવા જાતકોને ઉતાર-ચઢાવનો પણ સામનો કરવો પડતો હોય છે.
 
જો તમારી ગ્રીડમાં આ ચાર પૈકી કોઈ પણ પ્લેન જોવા મળે છે તો માનજો કે તમે નસીબદાર છો!
 
ગ્રીડના ખુટતા અંકો વિશેના ઉપાયો, તમામ નવે નવ અંક વિશેની જાણકારી મેળવીશું આગામી લેખમાં! ત્યાં સુધી લો શુ ગ્રીડનો મહાવરો કરતાં રહેજો!
 
આપનો દિન મંગલમય બનો.....
 
- શૈલી જાની

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.