રાજકોટમાં લગડી જેવી ગણાતી જમીનને બારોબાર વેચી મારવાની ઘટનાઓ બનતી હોય છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સરકારી જમીન ઉપર દબાણ થતા હોય છે.પરંતુ રાજકોટના મહિકા ગામે તો 4 એકર સરકારી જમીન ઉપર સોસાયટી બની અને 300થી વધુ મકાન બારોબાર વેચી મરાયા છે. એક દાયકા કરતાં વધુ સમયથી ધમધમતું આ કૌભાંડ કલેક્ટર તંત્રના ધ્યાને આવતા નોટિસ ફટકારી છે.
રાજકોટના મહીકા ગામમાં ચાર એકર સરકારી જમીન ઉપર ત્રણસોથી વધુ પ્લોટ ( મકાન) બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. ચાલીસ કરોડની કિંમતની સરકારી જમીનમાં શિવમ પાર્ક રેસીડેન્સી સોસાયટી ઉભી કરી દેવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે મહીકા ગ્રામ પંચાયતે પાણી અને ગટર કનેક્શનો પણ આપી દીધા છે. તાલુકા મામલતદારના ધ્યાને આ વાત આવતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉઠ્યો છે.
મહીકા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ઊભી થયેલી શિવમ પાર્ક સોસાયટી અંગે કલેકટર તંત્રને હવે જાણ થતા નોટિસ ફટકારવામાં આવી છે. કલેક્ટર કચેરીએ રહિશોને 15 દિવસમાં સરકારી જમીન ખાલી કરી દેવા નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ જોતાં સરકારી જમીન ખાલી કરાવા ગમે ત્યારે ડિમોલેશન થઈ શકે છે.