
Mahisagar News: ગુજરાતમાંથી નદી કે કેનાલમાં યુવકોના ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં મહીસાગરમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામેની પાનમ કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે.
ત્રણેય કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા અને ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક યુવકને લુણાવાડા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર અર્થે તેને ગોધરા રિફર કરાયો છે. ત્રણેય યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવને લઈ અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયેલો છે.