ગુજરાતમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં બુધવારે (25 જૂન) 100થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
5 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, બુધવારે રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 1 વાગ્યા સુધીમાં ભરૂચ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
અમદાવાદમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ
અમદાવાદ શહેરમાં મેઘરાજા મંડાયા છે. (25 જૂન) સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, ઘોડાસર, ઇસનપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, જશોદાનગર, રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
મણિનગર, ઓઢવ અને હાટકેશ્વરમાં સ્થિતિ વધુ બગડી
મણિનગર, ઓઢવ અને હાટકેશ્વરમાં સ્થિતિ ગંભીર સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં વરસાદ વધારે વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સંખ્યાબંધ લોકોના વાહનો બંધ પડ્યા હતા.
શહેરમાં અનેક અંડરપાસ બંધ, ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
ખોખરાથી સીટીએમ જતા રસ્તા પર પાણી ભરાયા છે. જ્યારે ગોરના કુવાથી અમરાઈવાડી સુધીનો રસ્તો જળમગ્ન થયો છે. ભારે વરસાદના પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. શહેરના આંબેડકર ઓવરબ્રિજ પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક વાહનો ફસાયા હતાં. નિકોલના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકમાં વાહનો ફસાયા હતાં. ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કુબેરનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.
પશ્ચિમ વિસ્તાર પણ પાણી પાણી
સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો
શહેરના ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. જે ખારીકડ કેનાલમાં તણાયાનું અનુમાન છે. હાલ ફાયર વિભાગ દ્વારા શોધવાની કામગીરી હાથ ધરાઈ છે.
હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો
અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર ભારે વરસાદ અને પાણી નિકાલ ન થતા બેટમાં ફેરવાયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે.